Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભોપાલઃ લગ્નના ત્રણ વર્ષ પછી પણ પતિ ગર્લફ્રેન્ડને ન ભૂલી શકયો : પત્નીએ તલાક આપી કરી મદદ!

ભોપાલ,તા. ૯: મધ્ય પ્રદેશના ભોપાલને એમ જ અજબ-ગજબ નથી કહેવામાં આવતું. અહીં અવાર નવાર અજીબોગરીબ કેસ સામે આવતા રહે છે. તાજેતરમાંજ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ લગ્નના ત્રણ વર્ષ બાદ તેના પતિના તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરાવવામાં મદદ કરી હતી! પતિ નું તેના જૂના પ્રેમ સાથે મિલન કરાવવા માટે પત્નીએ તલાક આપતા પણ એક વખત વિચાર કર્યો ન હતો.

મહિલાના વકીલે આ અંગે જણાવ્યું કે, મહિલાનો પતિ લગ્નના ત્રણ વર્ષ પછી પણ તેની જૂની ગર્લફ્રેન્ડને ભૂલી શકયો ન હતો. આથી મહિલાએ તેના પતિને તલાક આપી દીધા હતા, જેનાથી તે પોતાની જૂની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે. વકીલે જણાવ્યું કે આ વ્યકિત પત્ની અને પ્રેમિકા બંને સાથે સંબંધ રાખવા માંગતો હતો, પરંતુ કાયદાની રીતે આવું શકય ન હતું. આથી મહિલાએ પરિપકવતાનું ઉદાહરણ આપતા તેના પતિને તલાક આપી દીધી હતા, જેનાથી તે બીજા લગ્ન કરી શકે.

આ વાત સાંભળવી થોડી વિચિત્ર લાગશે પરંતુ મધ્ય પ્રદેશ માટે આ કિસ્સો નવો નથી. આ પહેલા ભોપાલમાં જ વર્ષ ૨૦૧૯માં આવો જ કેસ સામે આવ્યો હતો. અહીં સાત વર્ષના લગ્ન બાદ મહિલાએ તેના પતિને તલાક આપી દીધી હતા, જેનાથી તેણી તેની પ્રેમિકા સાથે શાંતિથી બીજા લગ્ન કરી શકે.

(11:30 am IST)