Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

દિવાળી નજીક આવતા જ કોરોનાના કેસમાં વધારો

૧ થી ૮ તારીખ સુધીમાં ૩,૨૫,૦૦૦ કેસ : દેશમાં ૭ સપ્તાહ સુધી કોરોના કાબુમાં રહ્યા બાદ કેસ વધવા લાગ્યા

નવી દિલ્હી તા. ૯ : સપ્ટેમ્બરના મધ્યથી કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલા ઉછાળો નોંધાયો છે.

પાછલા અઠવાડિયા (૧-૮ નવેમ્બર)માં લગભગ ૩,૨૫,૦૦૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૧૯,૨૫૩ કેસ નોંધાયા હતા. પાછલા ૮ અઠવાડિયામાં પહેલી વખત કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો છે અને જે રીતે કોરોના ગ્રાફ દેશમાં નીચો આવી રહ્યો હતો તે ફરી એકવાર ઊંચો ગયો છે.

નવા કેસની સાથે કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે, પાછલા ૬ અઠવાડિયાથી કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. દેશમાં પાછલા અઠવાડિયે ૪,૦૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે આ પહેલાના અઠવાડિયે ૩,૫૮૬ કેસ નોંધાયા હતા.

મુખ્યત્વે કેસમાં જે ઉછાળો આવ્યો છે તેમાં દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે, પરંતુ આ સાથે પાછલા અઠવાડિયામાં તેલંગાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને મિઝોરમમાં કેસ વધ્યા છે.

દિવાળીના પહેલાના અઠવાડિયામાં કોરોનાના કેસમાં જે રીતે ઉછાળો આવ્યો છે તે ચિંતાનો વિષય છે. એકસપર્ટ્સ પણ ચિંતા વ્યકત કરી રહ્યા છે કે દેશમાં તહેવારોના કારણે કોરોના ફરી માથું ઉચકી શકે છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લોકોને સુરક્ષિત અંતર જાળવવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે.

રવિવારે દેશમાં કોરોનાના નવા ૪૭,૧૧૬ કેસ નોંધાયા છે અને ૪૮૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. પાછલા રવિવારે નોંધાયેલા (૪૬,૨૫૩) કેસ કરતા આ રવિવારે કેસમાં ઉછાળો નોંધાયો છે. દિલ્હીમાં પાછલા ત્રણ દિવસમાં દેશમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે ૭,૭૪૫ કેસ નોંધાયા છે. જયારે ૭૭ લોકોએ કોરોના વાયરસના કારણે અહીં જીવ ગુમાવ્યા.

મહારાષ્ટ્રની સાથે મુંબઈમાં પણ કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજયમાં નવા ૫,૦૯૨ કેસ નોંધાયા અને ૧૧૦ લોકોએ જીવ ગુમાવ્યો આ સાથે કુલ કેસનો આંકડો ૧૭,૧૯,૮૫૮ અને મૃત્યુઆંક ૪૫,૨૪૦ પર પહોંચ્યો છે. મુંબઈમાં નવેમ્બરમાં પહેલીવાર ૧૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે.

તામિલનાડુ વધુ ૨૦ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે, અહીં ૧૧ જુનથી સૌથી ઓછા કેસ નોંધાયા છે. તેલંગાણામાં રવિવારે ૧,૪૪૦ નવા કેસ નોંધાયા છે જયારે ૫ લોકોએ જીવ ગુમાવ્યો છે.

(11:02 am IST)