Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સરકારી મહેમાન

“રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ”: સમાધાન એ વિશ્વનો સર્વોત્તમ અને સૌથી તંદુરસ્ત વકીલ

અધિકાર અને ન્યાય માટે જરા પણ વિલંબ કર્યા વિના ન્યાયિક સુવિધાનો લાભ લેવો જોઇએ: લિગલ ડેટા ગ્રીડ પ્રમાણે ગુજરાતની નીચલી અદાલતોમાં 17.98 લાખ જેટલા કેસો પડતર છે : વિનામૂલ્યે કાનૂની સહાય મેળવવા માટે સત્તામંડળ અને સમિતિઓ પ્રત્યેક જિલ્લા-તાલુકામાં છે

ભાગદોડના જીવનમાં બે પળ માટે જરા વિચારો કે ક્યાંય કોઇ તમારા અધિકારોને તમારાથી દૂર તો નથી કરી રહ્યું ને?...  કોઇ તમારો ન્યાય તો છીનવાઇ રહ્યો નથી ને?... જો અત્યાર સુધી તમે વિચાર્યું હોય તો હવે વિચારો... વિચારવાનો આ દિવસ છે. પ્રતિવર્ષ 9મી નવેમ્બરે લિગલ સર્વિસિઝ ડે એટલે કે રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ મનાવવામાં આવે છે. દિવસે લોકોને તેમના મૌલિક અધિકારો અંગે જાગૃત કરવામાં આવે છે. ભારતીય સંવિધાનની ધારા 39- માં પ્રત્યેક રાજ્યનું કર્તવ્ય છે કે તે તેના તમામ નાગરિકોને સમાન ન્યાયિક સુવિધાઓ પ્રદાન કરાવે. સાથે સંવિધાનમાં બાબત પર પણ જોર આપવામાં આવ્યું છે કે સમાજના પ્રત્યેક વર્ગને જાતિ, ધર્મ અને વર્ણ જોયા વિના ન્યાય મળે. રોટી, કપડાં અને મકાન ભારતની ત્રણ બુનિયાદી આવશ્યકતા છે જે વ્યક્તિને જીવવાના અધિકારની રક્ષા કરે છે. આજના આધુનિક યુગમાં ત્રણ આવશ્યકતા ઉપરાંત શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર પણ મહત્વપૂર્ણ છે. ભારતની ન્યાયિક વ્યવસ્થામાં ઘણાં લોકો ન્યાયની પહોંચથી દૂર છે. એક તરફ ન્યાયાધિશોની અછત છે તો બીજી તરફ અદાલતોમાં કેસોની સંખ્યાનો ઢગલો થઇ રહ્યો છે. સરકારોએ ગ્રામ્ય ન્યાયાલય, લોક અદાલત, ગ્રાહક અદાલત જેવા ઉપાયો કેસોને હળવા કરવા માટે કર્યા છે પરંતુ કેટલાક કારણોથી અદાલતોમાં આજે પણ લાખો કેસો પડતર છે.

રાજ્યોમાં પણ સત્તામંડળ કે સમિતિ હોય છે...

ભારતના પ્રત્યેક નાગરિકને નિષ્પક્ષ અને ન્યાય પ્રક્રિયા પ્રદાન કરવાના હેતુથી રાષ્ટ્રીય ન્યાય સેવા દિવસ ઉજવવામાં આવે છે જેની શરૂઆત પહેલીવાર 1995માં સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવી હતી. દિવસનો ઉદ્દેશ સમાજના ગરીબ અને કમજોર વર્ગોને સહાયતા અને સમર્થન આપવાનો છે. સાથે ભારતમાં નેશનલ લિગલ સર્વિસિઝ ઓથોરિટીની રચના પણ કરવામાં આવેલી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ઓથોરિટીના મુખ્ય સંરક્ષક હોય છે અને ભારતની સર્વોચ્ચ અદાલતના બીજા વરિષ્ઠ ન્યાયાધિશ તેના કાર્યકારી અધ્યક્ષ હોય છે. ઓથોરિટીનું કાર્ય દેશભરમાં કાનૂની સહાયતા કાર્યક્રમ અને યોજનાઓ લાગુ કરવા માટે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દિશાનિર્દેશ જાહેર કરે છે. રાજ્યમાં પણ જિલ્લા અને કાનૂની સહાયતા સત્તામંડળની રચના કરવામાં આવેલી હોય છે. સત્તામંડળ સુપાત્ર લોકોને મફતમાં કાનૂની સહાયતા પ્રદાન કરે છે અને વિવાદોને ઉકેલવામાં લોક અદાલતોનું સંચાલન કરે છે.

વિનામૂલ્યે કાનૂની મદદ કોણ લઇ શકે...

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (નાલસા) માં મહિલાઓ માટે ખાસ જોગવાઇ કરવામાં આવેલી છે. જે મહિલાઓ કાયદાની આંટીઘૂંટીને સમજી શકતી નથી તેમને રક્ષણ મળે છે અને તેના અધિકારની લડાઇ તે લડી શકે છે. સંવિધાનમાં સૌને સમાન ન્યાયનો સિદ્ધાંત અમલી છે પરંતુ બઘાં લોકો ન્યાય મેળવવા કોર્ટના દ્વાર ખખડાવી શકતા નથી. તેમની પાસે વકીલને આપવાની ફી પણ હોતી નથી. સત્તામંડળ જરૂરિયાતમંદોને મફતમાં કાનૂની સેવા પુરી પાડે છે. વિનામૂલ્યે કાનૂની સેવા મેળવવા માટે ચોક્કસ વ્યક્તિ હક્કદાર બને છે. જે વ્યક્તિ અનુસૂચિત જાતિ કે જનજાતિના હોય છે, સ્ત્રી અથવા તો બાળક, માનસિક રીતે બિમાર વ્યક્તિ, માનવોના ગેરકાયદે વેપારનો ભોગ બનેલી વ્યક્તિ કે ઔદ્યોગિક કામદારનો તેમાં સમાવેશ થાય છે. યોજના હેઠળ સામૂહિક વિનાશ, જાતીય હિંસા, જાતીય અત્યાચાર, પૂર, દુકાળ, ધરતીકંપ, હિરાસતમાં રહેલો વ્યક્તિ, ઔદ્યોગિક સંકટ જેવા અનિચ્છનિય સંજોગોનો ભોગ બનેલી વ્યક્તિ લઇ શકે છે. જે વ્યક્તિને કાનૂની સહાય જોઇ તો હોય તેઓ જિલ્લા કે તાલુકા ન્યાયાલયમાં અથવા તો રાજ્યકક્ષાની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે. સામાન્ય રીતે કોઇપણ પ્રકારની દીવાની, મહેસૂલી, મજૂર, ઔદ્યોગિક અદાલત કે પંચ સમક્ષ દાખલ કરવાના થતાં દાવા, ફરિયાદ, અરજી, અપીલ અથવા તો કોઇપણ કેસમાં વિનામૂલ્યે કાનૂની સહાય આપવામાં આવતી હોય છે. રાજ્યમાં જે સમિતિઓ કે સત્તામંડળ છે તેમનીપાસે કાયદાના નિષ્ણાંત વકીલની પેનલ હોય છે. નિર્દેશ વ્યક્તિના કેસની તમામ પ્રક્રિયાનો ખર્ચ સેવા સમિતિ કે સત્તામંડળ ભોગવે છે.

રાજ્યની નીચલી અદાલતોમાં પડતર કેસો...

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની નવી ઇમારત ગયા વર્ષે બનાવવામાં આવી છે. સત્તામંડળથી રાજ્યમાં લાખો લોકોને વિનામૂલ્યે લાભ મળ્યો છે. રાજ્યમાં 1998માં સત્તામંડળની સ્થાપના કરવામાં આવી હતી. નેશનલ લિગલ ડેટાગ્રીડના આંકડા પ્રમાણે--- દેશની નીચલી અદાલતોમાં 97.65 લાખ સિવિલ કેસ અને 2.59 કરોડ ક્રિમિલન કેસ મળીને કુલ 3.57 કરોડ કેસ પડતર છે. બીજી તરફ ગુજરાતમાં 4,50,517 સિવિલ અને 13,48,104 ક્રિમનલ મળીને કુલ 17,98,621 કેસો પડતર છે. રાજ્યમાં શૂન્ય થી એક વર્ષ સુધીના પડતર કેસોની સંખ્યા 8.45 લાખ છે. એક થી ત્રણ વર્ષના પડતર કેસોની સંખ્યા 4.23 લાખ છે, જ્યારે છેલ્લા 30 વર્ષથી પડતર કેસોની સંખ્યાનો આંકડો 4872 જોવા મળે છે. એટલે કે જે કેસો પડતર તરીકે નોંધાયેલા છે તેમાં એક વર્ષની અંદરના કેસોની સંખ્યા 47.01 ટકા જેટલી છે. બીજાક્રમે એક થી ત્રણ વર્ષના કેસો 23.57 ટકા જોવા મળી છે. જે ગંભીર કેસો નથી અને જેના ઉકેલમાં માત્ર મધ્યસ્થીની આવશ્યકતા છે તેવા કેસો લોક અદાલત જેવા માધ્યમથી ઝડપથી ઉકલી શકે છે અને અદાલતોમાં કોર્ટના કેસોનું ભારણ ઘટે છે. સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ ન્યાયિક પ્રક્રિયામાં કેસોના ઘટાડાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં આવક મર્યાદા એક લાખ...

ગુજરાતમાં વિનામૂલ્યે કાનૂની સહાય મેળવવા માટે જે હક્કદાર છે તેમાં દેશના અન્ય રાજ્યોની જેમ વ્યક્તિની વાર્ષિક આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવેલી છે. દેશમાં આંધ્રપ્રદેશ, આસામ, ગોવા, હરિયાણા, ઝારખંડ, કેરાલા, મહારાષ્ટ્ર, મણીપુર, ઓરિસ્સા, સિક્કીમ, તામિલનાડુ, ઉત્તરાખંડ, આંદામાન નિકોબાર અને ચંદીગઢમાં વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયા છે જ્યારે ગુજરાતમાં એક લાખ રૂપિયા નિશ્ચિત કરવામાં આવ્યા છે. એટલે કે વાર્ષિક એક લાખથી વધુ આવક હોય તો તે વ્યક્તિ વિનામૂલ્યે કાનૂની સહાય મેળવવાને પાત્ર બનતો નથી. દેશના વિભિન્ન રાજ્યોમાં આવક મર્યાદા અલગ અલગ જોવા મળે છે. ગુજરાતમાં જિલ્લા કક્ષાની 31 અને તાલુકાકક્ષાની 239 સમિતિઓ કાર્યરત છે જે વિનામૂલ્યે કાનૂની સહાય આપી રહી છે.

સૌથી ઝડપી ન્યાય એટલે લોક અદાલતો...

રોબર્ટ લુઇસ સ્ટિવ્હન્સને કહ્યું છે કે સમાધાન વિશ્વનો સર્વોત્તમ અને સૌથી તંદુરસ્ત વકીલ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રચાયેલા લોક અદાલતો સમાજ માટે તકરાર નિવારણનો સુર્વણ માર્ગ છે એટલું નહીં અરજદાર અને ન્યાય વચ્ચેનો સલામત સેતુ છે. લોક અદાલત એક એવો મંચ છે કે જ્યાં ન્યાયાલયોમાં વિવાદ, પેન્ડીંગ કેસો અને પહેલાના કેસોની સ્થિતિથી સંકળાયેલા મામલામાં સૌહાદપૂર્વક ઉકેલ લાવવામાં આવે છે. કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 અંતર્ગત લોક અદાલતને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. લોક અદાલત પાસે આવેલા વિવાદો તેમજ પેન્ડીંગ કેસોમાં ઉકેલને એક વૈધાનિક નિર્ણય માનવામાં આવે છે કે જે અંતિમ હોય છે અને તમામ પક્ષકારોને અસરકર્તા હોય છે. લોક અદાલત દ્વારા કરવામાં આવેલી તમામ કાર્યવાહી ન્યાયિક માનવામાં આવે છે અને તેના દ્વારા આપવામાં આવેલા કોઇપણ આદેશ સામે અપીલ કરી શકાતી નથી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:22 am IST)