Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઈમરાનખાનની સિકંદર સાથે નવજોત સિદ્ધુ દ્વારા થયેલી તુલના

ઈમરાનખાનની ભરપુર પ્રશંસા કરી

કરતારપુર, તા.૯ : પાકિસ્તાનના કરતારપુર કોરીડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસી નેતા નવજોત સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની ભરપુર પ્રશંસા કરી હતી. કોરીડોર માટે તેઓએ ઈમરાનખાનની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. ઉદ્ઘાટન કર્યક્રમને સંબોધતા સિદ્ધુએ કહ્યું હતું કે ઈમરાનખાને ઈતિહાસ રચવામાં અનેક પગલાં લીધા છે. ઈમરાનખાનની પ્રશંસામાં કવિતા વાંચીને સિદ્ધુએ ભાષણની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે ઈમરાન ખાને હંમેશા ઈતિહાસ સર્જવામાં ભૂમિકા ભજવી છે. પોતાના મિત્ર ઈમરાન ખાનનો ૧૪ કરોડ શીખ સમુદાયના લોકો તરફથી આભાર માન્યો હતો. કોંગ્રેસી નેતાએ ઈમરાન ખાનની સરખામણી સિકંદર સાથે કરીને કહ્યું હતું કે સિકંદરે ભયભિત કરીને દુનિયા પર જીત મેળવી હતી પરંતુ ઈમરાન ખાને એવા સિકંદરની ભૂમિકા અદા કરી છે જે દિલ જીતીને દુનિયા જીતે છે. સિદ્ધુએ કહ્યું હતું કે વિભાજન બાદ પ્રથમ વખત સરહદો તૂટી છે. કોઈપણ તેમના મિત્રો ઈમરાન ખાનના યોગદાનને નકારી શકે નહીં. આના માટે તેઓ મોદીની પણ પ્રશંસા કરવા માંગે છે. હાલમાં જ વારંવારની રજુઆત બાદ નવજોત સિદ્ધુને પાકિસ્તાનમાં કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે ભાગ લેવા મંજુરી મળી હતી.

(7:56 pm IST)