Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઐતિહાસિક નગર ડેરા બાબા નાનક ખાતે વડાપ્રધાન મોદીએ શિશ ઝુકાવ્‍યુ

નવી દિલ્હી :કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુલ્તાનપુર લોધી શહેર પહોંચીને બેર સાહિબ ગુરુદ્વારામાં શિષ ઝીકવ્યું હતું. તેના બાદ પીએમ મોદી પાકિસ્તાનની બોર્ડર સાથે અડીને આવેલ પંજાબના ગુરુદાસપુર જિલ્લા સ્થિત ઐતિહાસિક નગર ડેરા બાબા નાનક પહોંચ્યા, જ્યાં તેઓએ સમય વિતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવનો 12 નવેમ્બરના રોજ યોજાનાર 550મા જન્મોત્સવ યોજાનાર છે. આ અવસર 72 વર્ષ બાદ આવ્યો છે, જ્યારે ભારતીય શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જઈને કરતારપુર સાહિબમાં દર્શન કરી શકશે.

આ પ્રસંગે પીએમ મોદીએ કરતારપુર કોરિડોર ખોલવા મામલે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આજે આ પવિત્ર ધરતી પર આવીને તેઓ ધન્યતા અનુભવી રહ્યાં છે. મારું સૌભાગ્ય છે કે હું આજે દેશને કરતારપુર સાહેબ કોરિડોર સમર્પિત કરી રહ્યો છું.

ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ ઉત્સવ પહેલા ઈન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ, કરતારપુર સાહિબ કોરિડોરનું ખૂલવું, આપણા તમામ માટે ડબલ ખુશી લઈને આવ્યું છે. ગુરુનાનક દેવજી ન માત્ર શીખ પંથના, ભારતની જ ધરતીના નહિ, પરંતુ સમગ્ર માનવતા માટે પ્રેરણા પૂંજ છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, હું આ તમામને દેશ અને દુનિયામાં વસેલા તમામ શીખ ભાઈ-બહેનોને કરતારપુર કોરિડોરના ઉદઘાટન પર હાર્દિક અભિનંદન આપું છું. આ કોરિડોરના બન્યા બાદ હવે ગુરુદ્વારા દરબાર સાહેબના દર્શન સરળતાથી થઈ શકશે. હું પંજાબ સરકારનો, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીને આ કોરિડોર તથા તેને બનાવનાર દરેક શ્રમિક સાથીનો આભાર વ્યક્ત કરું છું.

પીએમ મોદી આજે બપોરે 1 કલાકે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ પણ ઉપસ્થિત રહેશે. 12 નવેમ્બરના રોજ શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવનો 550મો પ્રકાશ પર્વ છે. તેના 3 દિવસ પહેલા કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે.

આ VIP જશે પાકિસ્તાન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળ શનિવારે કરતારપુર સાહિબની મુલાકાત કરશે. મનમોહન સિંહ ઉપરાંત પ્રતિનિધિમંડળમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધીયા, આરપીએન સિંહ, રણદીપ સૂરજેવાલા, દિપેન્દ્ર હુડ્ડા અને જીતીન પ્રસાદ સામેલ થશે. આ ઉપરાંત પંજાબ રાજ્યના તમામ ધારાસભ્યો અને સાંસદ પણ પ્રતિનિધિમંડળમાં સાથે જશે.

(4:56 pm IST)