Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો : પાંચ જજોની બંધારણીય પીઠનો સર્વસંમત નિર્ણય

વિવાદિત સ્થળે બનશે રામમંદિરઃ અન્ય સ્થળે મસ્જિદ પણ બનશે

સરકારે ૩ માસમાં મંદિર નિમાર્ણ ટ્રસ્ટ બનાવવું પડશેઃ મુસ્લિમ પક્ષને જમીન આપવાની જવાબદારી યોગી સરકારની : કોર્ટ ત્રણ પક્ષકારોને જમીન વહેંચણીના અલ્હાબાદ હાઇકોર્ટના ફેશલાને તાર્કિક ન માન્યોઃ ૭૦ વર્ષની કાનુની લડાઇ ૪૦ દિવસની મેરેથોન સુનાવણી બાદ આવ્યો ફેંસલો : અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળોઃ કોર્ટે નિર્મોહી અખાડા અને શિયા વકફ બોર્ડનો દાવો ફગાવ્યોઃ રામલલ્લાનો હક્ક સ્વીકાર્યો : મુસ્લિમ પક્ષને અલગ જગ્યાએ ૫ એકર જમીન આપવાનો આદેશઃ કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવવા પણ આદેશ

નવી દિલ્હી,તા.૯: ૭૦ વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈ અને ૪૦ દિવસની મેરેથોન સુનાવણી બાદ આજે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો બહુપ્રતિક્ષિત ફેસલો આખરે આવી ગયો છે. રાજકીય સ્વરુપે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમના પાંચ જજોની બેન્ચે સર્વસહમતી એટલે કે ૫-૦થી ઐતિહાસિક જજમેન્ટ આપ્યું હતું.

નિર્મોહી અખાડાના દાવાને ફગાવતા સુપ્રીમે રામલલા વિરાજમાન અને સુન્નની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા હતા. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટે ૨૦૧૦જ્રાક્નત્ન વિવાદિત જમીનને ત્રણ પક્ષમાં વહેંચવાના નિર્ણયને પણ અતાર્કિક ગણાવ્યો હતો. આખરે સર્વોચ્ચ અદાલતે રામલલા વિરાજમાનના પક્ષમાં ફેસલો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ બીજી કોઈ જગ્યાએ ૫ એકર જમીન આપવામાં આવે. સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે મંદિર નિર્માણ માટે તે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવે. આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ આપવા પણ કહેવાયું છે.

ખચાખચ ભરેલા કોર્ટ રુમ નંબર.૧જ્રાક્નત્ન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ લગભગ ૪૫ મિનિટ સુધી જજમેન્ટ વાંચ્યું હતું. આગળ વાંચો, કોર્ટે પોતાના જજમેન્ટમાં કઈ મહત્વની વાતો કહી..

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, ટાઈટલ માત્ર આસ્થાથી સાબિત નથી થતું. ૧૮૫૬-૫૭ સુધી વિવાદિત સ્થળ પર નમાજ પઢવામાં આવતી હતી તેવા કોઈ પુરાવા નથી. બીજી તરફ, હિન્દુઓ તેના પહેલા અંદરના ભાગમાં પણ પૂજા કરતા હતા. હિન્દુઓ બહાર સદીઓથી પૂજા કરે છે. સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ બીજે કયાંક પાંચ એકર જમીન આપવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે, બંધારણમાં તમામ ધર્મના લોકોને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.

આ પહેલા કોર્ટે કહ્યું હતું કે, ૧૬ ડિસેમ્બર ૧૯૪૯ સુધી નમાજ પઢાતી હતી. ટાઈટલ સ્યૂટ નંબર ૪ (સુન્ની વકફ બોર્ડ) અને ૫ (રામલલા વિરાજમાન)માં સંતુલન બનાવવું જરુરી છે. હાઈકોર્ટે જે ત્રણ પક્ષ માન્યા હતા, તેને બે હિસ્સામાં માનવા પડશે. કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા જમીનને ત્રણ હિસ્સામાં વહેંચવાનો નિર્ણય તાર્કિક નહોતો. તેનાથી એ સાફ થઈ ગયું કે હવે આ મામલામાં રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડ બે જ પક્ષ રહી ગયા છે.

સુપ્રીમે મુખ્ય પાર્ટી રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ માન્યા હતા. સુન્ની પક્ષે વિવાદિત જગ્યાને મસ્જિદ જાહેર કરવાની માગ કરી હતી. કોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે, ૧૮૫૬-૫૭ સુધી વિવાદિત સ્થળ પર નમાજ પઢાતી હોય તેવા કોઈ પુરાવા નથી. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે આ સ્થળે નિયમિત નમાજ પઢાતી હતી. કોર્ટે કહ્યું હતું કે, ૧૮૫૬દ્મક પહેલા અંદરના ભાગે હિન્દુઓ પૂજા કરતા હતા. તેમને રોકવામાં આવતા તેઓ ચબૂતરા પર પૂજા કરવા લાગ્યા. અંગ્રેજોએ બંને હિસ્સાને અલગ કરવા રેલિંગ બનાવી, છતાંય હિન્દુઓ મુખ્ય ગુંબજની નીચે જ ગર્ભગૃહ માનતા હતા.

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કરાયેલા ખોદકામમાં નીકળેલા પુરાવાને અવગણી ન શકાય. કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટનો નિર્ણય પારદર્શક હતો. બાબરી મસ્જિદ ખાલી જમીન પર નહોતી બની. કોર્ટે કહ્યું કે મસ્જિદની નીચે એક વિશાળ રચના હતી. ASI તેને ૧૨મી સદીનું મંદિર ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, ત્યાંથી જે કળાકૃતિઓ મળી હતી તે ઈસ્લામિક નહોતી. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ પક્ષકારોની દલીલ હતી કે ASIના રિપોર્ટ પર ભરોસો ન કરવો જોઈએ. જોકે, કોર્ટે ફેસલામાં આ રિપોર્ટને ખાસ્સું મહત્વ આપ્યું છે.

કોર્ટે કહ્યું હતું કે, એએસઆઈ એ સ્પષ્ટ નથી કરી શકી કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હતી. જોકે, અયોધ્યામાં રામના જન્મસ્થાનના દાવાનો કોઈ વિરોધ ન કરી શકાય. વિવાદિત જગ્યા પર હિન્દુઓ પૂજા કરતા હતા. સાક્ષીઓની ઉલટતપાસમાં પણ હિન્દુઓનો દાવો ખોટો સાબિત નથી થયો. હિન્દુ મુખ્ય ગુંબજને જ રામ જન્મસ્થાન માને છે. કોર્ટે કહ્યું હતું કે, રામલલાએ ઐતિહાસિક ગ્રંથોના વિવરણ ટાંકયા છે. હિન્દુઓ તેની પરિક્રમા પણ કરતા હતા. ચબૂતરો, સીતા રસોઈ, ભંડારાથી પણ આ દાવાની પુષ્ટિ થાય છે.

સુપ્રીમ કોર્ટે શિયા વકફ બોર્ડની અપીલ ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, મસ્જિદ કયારે બની તેનાથી કોઈ ફરક નથી પડતો. ૨૨-૨૩ ડિસેમ્બર ૧૯૪૯દ્ગક્ન રોજ તેમાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી.

કોર્ટે કહ્યું હતું કે, એક વ્યકિતની આસ્થા બીજા વ્યકિતનો અધિકાર ન છિનવી શકે. નમાજ પઢવાની જગ્યાને મસ્જિદ માનવાનો ઈનકાર ન કરી શકાય. જજે કહ્યું હતું કે, દસ્તાવેજો અનુસાર તે સરકારી જમીન છે.

(3:32 pm IST)
  • ગોંડલ - જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત.:ચોરડી પાસેની ગોળાઈમાં આઇસર પલ્ટી ખાઈ ગયું : કોઈ જાનહાની નથી : ચોરડી પાસેની ગોળાઈમાં મસ મોટા ખાડા અને હાઇવેની લાઈટો બંધ હોવાથી આઇસર પલ્ટી માર્યું : આઇસર પલટી મારતા એક સાઈડનો રોડ વનવે થતા ટ્રાફિક જામ access_time 10:26 pm IST

  • અજમેર દરગાહના દિવાને સુપ્રીમના ફેંસલાનું સ્વાગત કર્યું : અયોધ્યા જમીન વિવાદમાં આવેલા નિર્ણયને રાજસ્થાનના અજમેરમાં આવેલ હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના દીવાને સ્વાગત કર્યું છે. સાથે જ તેઓએ લોકોને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે. access_time 3:24 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST