Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

કેસરી રંગથી રંગાયેલા શૌચાલયની લોકોએ મંદિર સમજીને એક વર્ષ સુધી પૂજા કરી

લખનૌ તા. ૯ : ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંએક અજીબોગરીબ ઘટના બની છે. આ વિસ્તારના લોકો કેસરી રંગાયેલા એક મકાનના દરવાજાની બહાર પૂજા કરતા હતા. જો કે આ મકાન તો મંદિરને બદલે શૌચાલય નીકળ્યું હતું.

હમીરપુર જિલ્લાના મૌદહા વિસ્તારના લોકો એક વર્ષથી વધારે સમયથી એક મકાનના દરવાજાની બહાર પૂજા-અર્ચના કરી રહ્યા હતા. આર્શ્ચજનક વાત તો એ છે કે આ તમામ લોકોને જાણ જ નહોતી કે આ મકાનની અંદર કોઇ દેવી-દેવતા સ્થાપિત છે કે નહિં.

એક સ્થાનિક રહેવાસી રાકેશ ચંદેલે જણાવ્યું કે 'આ મકાન સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર પરિસરમાં છે. આ મકાનને કેસરી રંગથી રંગવામાં આવ્યું છેઅને એને મંદિરના આકારનું બનાવાયું છે. એને કારણે લોકો આને મંદિર સમજતા હતા. જો કે કોઇએ આ વિશે તપાસ કરવાની જહેમત નહોતી ઉઠાવી. તાજેતરમાં એક અધિકારીએ જણાવ્યું કે આ મકાન વાસ્તવમાં શૌચાલય છે.' તેમણે વધુમાં જણાવ્યું કે મકાનનો ભગવો રંગ ભ્રમનું કારણ બન્યું હતું. હવે આ શૌચાલયને ગુલાબી રંગ ચોપડવામાં આવ્યો છે. અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ શૌચાલયનું ઉદ્દઘાટન એક વર્ષ કરતા વધારે સમય પહેલા થયું હતું. પરંતુ આના દરવાજા પર તાળુ લાગેલું હતું.

(11:42 am IST)