Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

શું તમે જાણો છો ? કયારે અને કોણે બનાવી હતી બાબરી મસ્જિદઃ કેવી રીતે પડયું તેનુ નામ

અયોધ્યા, તા. ૯ :. અયોધ્યા રામ જન્મભૂમિ કેસના ચુકાદાની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. કોના પક્ષમાં આ ચુકાદો આવશે ? તેની લોકોમાં ઉત્સુકતા છે.

અયોધ્યાને રામની જન્મભૂમિ માનવામાં આવે છે એટલે હિન્દુઓનો દાવો છે કે અહીં પહેલા મંદિર હતુ જેને તોડીને મસ્જિદ બનાવાઈ હતી. જ્યારે મુસ્લિમો એનાથી ઉલ્ટું કહે છે.

એવુ માનવામાં આવે છે કે મોગલ શાસક બાબરના સેનાપતિ મીર બાકીએ અયોધ્યામાં આ મસ્જિદનું નિર્માણ કર્યુ હતુ અને તેને પોતાના બાદશાહના નામ પરથી બાબરી મસ્જિદ નામ આપ્યુ હતું. બાબર ૧૫૨૬માં ભારતમાં આવ્યો હતો અને ૧૫૨૮ સુધીમાં તેનુ સામ્રાજ્ય અવધ (હાલમાં અયોધ્યા) સુધી પહોંચી ગયું હતું. ત્યાર પછીના લગભગ ત્રણ સદીના ઈતિહાસમાં આ બાબતની કોઈ માહિતી નથી.

ત્યાર પછી ૬ ડીસેમ્બર ૧૯૯૨ની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ. તે દિવસે હજારોની સંખ્યામાં કારસેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદ પાડી નાખી હતી અને એક અસ્થાયી રામ મંદિર બનાવી દીધુ હતુ. ત્યાર પછી આખા દેશમાં કોમી રમખાણો થયા હતા જેમાં ૨૦૦૦ લોકોના મોત થયા હતા.

અયોધ્યા મંદિર મસ્જીદ મુદ્દે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ૧૮૫૩માં પહેલીવાર કોમી રમખાણો થયા હતા ત્યારે નિર્મોહી અખાડાએ આ માળખા પર દાવો કરતા કહ્યુ હતુ કે જે સ્થળે મસ્જિદ છે ત્યાં પહેલા એક મંદિર જેને બાબરકાળમાં નષ્ટ કરાયુ હતું. ત્યાર પછી ત્યાં ૨ વર્ષ સુધી હિંસા થતી રહી હતી. ફૈઝાબાદ જિલ્લા ગેઝેટ ૧૯૦૫ અનુસાર ૧૮૫૫ સુધી હિન્દુ અને મુસલમાન બન્ને એક જ ઈમારતમાં પૂજા અથવા ઈબાદત કરતા હતા.

૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પડાયા પછી એક કેસ આ જમીનના માલિકી હક્ક અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં નોંધાયો હતો. આ કેસમાં હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેંચે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ ૨.૭૭ એકરની જમીન પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા અનુસાર જમીનનો એક તૃત્યાંશ ભાગ રામ મંદિરને આપવામાં આવે જેનુ પ્રતિનિધિત્વ હિન્દુ મહાસભા કરે, બીજો એક તૃત્યાંશ હિસ્સો સુન્ની વકફ બોર્ડને અને બાકીનો ભાગ નિર્મોહી અખાડાને આપવામાં આવે ત્યાર બાદ ૯ મે ૨૦૧૧ના રોજ હિન્દુ અને મુસલમાન પક્ષોએ તેના વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. જેનો ચુકાદો ટૂંક સમયમાં આવવાનો છે.

(10:03 am IST)