Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા વ્યવસ્થાને દૂર કરાઈ

એસપીજીના બદલે હવે ઝેડ પ્લસની સુરક્ષા મળશે : મોદી સરકારના નિર્ણયથી કોંગ્રેસ પાર્ટીના લોકો લાલઘુમ થયા : બદલાની ભાવનાથી કાર્યવાહી થવાનો આક્ષેપ થયો

નવીદિલ્હી, તા. ૮ : સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢેરાની એસપીજી સુરક્ષા વ્યવસ્થાને આખરે દૂર કરી દેવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયને લઇને કોંગ્રેસ પાર્ટી નારાજ દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના લોકો માની રહ્યા છે કે, બદલાની ભાવના સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાર્ટીએ આને મોદી સરકારની અંગત બદલાની કાર્યવાહી તરીકે ગણાવી છે. ગાંધી પરિવારના નજીકી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું છે કે, આનાથી દેશના એવા બે પૂર્વ વડાપ્રધાનોના પરિવારની સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવી છે જે લોકોએ આતંકવાદ અને હિંસાની સામે કાર્યવાહી કરી હતી. અહેમદ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, બે પૂર્વ વડાપ્રધાનો જેમના દ્વારા ત્રાસવાદ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના પરિવારના સભ્યો સાથે મળીને ભાજપના નેતાઓ અંગત બદલો લેવાની પ્રક્રિયામાં લાગેલા છે. તાજેતરમાં જ સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષા વ્યવસ્થાને દૂર કરવાનો પણ નિર્ણય કર્યો હતો. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢેરાની એસપીજી સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે.

                    હવે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે એસપીજી સુરક્ષા કવચ છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ અથવા તો એસપીજીની સ્થાપના ૧૯૮૮માં સંસદ મારફતે કાનૂન બનાવીને કરવામાં આવી હતી. વડાપ્રધાન ઉપરાંત પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારને એસપીજીની સુરક્ષા આપવામાં આવે છે. સરકાર ઉપર કોઇ મોટો ખતરો છે કે કેમ તેમ લાગે તો સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી શકે છે. સરકારે હવે નિર્ણય કર્યો છે કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધીને એસપીજી સુરક્ષાના બદલે ઝેડ પ્લસની સુરક્ષા આપવામાં આવશે. સુરક્ષા પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યા બાદ સરકારે ગાંધી પરિવારને આપવામાં આવેલી એસપીજીની સુરક્ષા પરત લેવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી બંનેની એ વખતે હત્યા કરવામાં આવી હતી જ્યારે વડાપ્રધાન તરીકેની સેવા અદા કરી રહ્યા હતા. એસપીજીની સુરક્ષા વ્યવસ્થાને લઇને હંમેશા ચર્ચા રહી છે. એસપીજીના જવાનો પાસે અતિઆધુનિક ટેકનોલોજી હોય છે. એસપીજી એક્ટ મુજબ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એસપીજીને મદદ કરે છે. એસપીજી કમાન્ડોની પાસે આધુનિક રાયફલો, અંધારામાં જોઈ શકાય તેવા ચશ્મા, દૂર સંચારના આધુનિક સાધનો, બુલેટપ્રુફ જેકેટ, અન્ય હથિયારો પણ હોય છે. તેમની પાસે હાઈટેક ગાડીઓ હોય છે. એસપીજીની પાસે બીએમડબલ્યુ સાત સિરિઝની સાત ગાડીઓ હોય છે. રેન્જરોવર્સ, બીએમડબલ્યુની એસયુવી, ટોયોટા, તાતાની ગાડીઓ હોય છે.

SPGની સુરક્ષા સર્વશ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે...

યાત્રા પહેલા જ કમાન્ડો પહોંચે છે

નવીદિલ્હી, તા. ૮ : જ્યારે કોઇ એસપીજી સુરક્ષા વ્યવસ્થા ધરાવનાર વ્યક્તિ પ્રવાસ પર જાય છે ત્યારે એસપીજીની નાની-નાની ટીમો બનાવવામાં આવે છે અને એ સ્થાનની ચકાસણી કરવામાં આવે છે જ્યાં એસપીજી સુરક્ષા ધરાવનાર વ્યક્તિ પહોંચે છે. ૨૪ કલાક પહેલાથી જ એ સ્થાનને સુરક્ષિત બનાવી દેવામાં આવે છે. એસપીજીની ટીમ સ્નાપર્સ અને બોંબ નિષ્ક્રિય કરનાર નિષ્ણાતોને પણ આવરી લે છે. તેમની ટ્રેનિંગ સતત ચાલતી રહે છે. ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા દૂર કરવામાં આવ્યા બાદ હવે આ સુરક્ષા માત્ર મોદી પાસે રહી છે. મોદી પાસે જ હવે આ છત્ર રહેશે. એસપીજી સુરક્ષા છત્ર ભારતમાં સૌથી મજબૂત સિક્યુરિટી છે. એસપીજીની રચના ૧૯૮૫માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના અવસાન બાદ કરવામાં આવી હતી.  એસપીજીનો ઇતિહાસ શું છે તેને લઇને પણ ચર્ચા રહી છે. ૧૯૮૮માં પાર્લામેન્ટમાં એસપીજી એક્ટ ૧૯૮૮ પાસ કરવામાં આવ્યા બાદ તેનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનની સુરક્ષાને મજબૂત કરવાનો રહ્યો હતો.

(7:30 pm IST)