Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

નોટબંધી 'આતંકી હુમલો', જવાબદારોનો ન્યાય હજુ બાકીઃરાહુલ

૮ નવે. ૨૦૧૬ના વડાપ્રધાન મોદીએ કરેલી નોટબંધીને ત્રણ વર્ષ પૂર્ણ થયા

નવી દિલ્હી, તા.૮: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નોટબંધીની ત્રીજી વરસી ઉપર સરકાર પર ધારદાર પ્રહાર કર્યો હતો. રાહુલે નોટબંધીને 'આતંકી હુમલો' ગણાવ્યો હતો અને આ દુષ્ટ હુમલાના જવાબદારોનો ન્યાય કરવાનો હજુ બાકી છે. ૮ નવેમ્બરના રોજ નોટબંધીની ત્રીજી વરસી છે ત્યારે કોંગ્રેસના નેતાએ સરકારને આડેહાથ લીધી હતી.

૮ નવેમ્બર ૨૦૧૬ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નોટબંધીની જાહેરાત કરતા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ સમગ્ર દેશની બેંક બહાર લાંબી કતારો લાગી હતી. લોકોને તેમની પરસેવાની કમાણીને બેંકમાં જમા કરાવવા લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું.

રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું કે, 'નોટબંધીના આતંકી હુમલાને ત્રણ વર્ષ થયા છે અને આ પગલાંથી ભારતીય અર્થતંત્રની ઘોર ખોદાઈ ગઈ છે, કેટલાયે જીવ ગુમાવ્યા તો લાખો નાના વેપાર ઉદ્યોગનો સફાયો થઈ ગયો. લાખો ભારતીયો બેરોજગારીમાં ધકેલાયા છે.'

આ દુષ્ટ કૃત્ય પાછળ જવાબદાર લોકોનો હજુ ન્યાય તોળવાનો બાકી છે, તેમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. બીજીતરફ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ નોટંબધીના નિર્ણયને લઈને વડાપ્રધાન મોદીને વર્તમાન સમયના 'તુદ્યલક' ગણાવ્યા હતા. સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'તુદ્યલકે ૧૩૩૦માં ભારતીય ચલણ નાબૂદ કર્યું હતું અને વર્તમાન સમયના તુદ્યલકે પણ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ આવું જ કર્યું.'

ત્રણ વરસ વિત્યા છતા દેશ સહન કરી રહ્યો છે. અર્થતંત્ર પડી ભાંગ્યું છે, રોજગારી છિનવાઈ રહી છે. આતંકવાદ પણ અટકયો નથી કે બનાવટી નાણાનો ધંધો પણ બંધ થયો નથી. આ તમામ માટે કોણ જવાબદાર છે તેવો સણસણતો સવાલ તેમણે કર્યો હતો. નોટબંધીની ત્રીજી વરસી પર પણ સત્ત્।ામાં રહેલા શાસકો ચૂપ કેમ છે તેવું તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું.

(3:24 pm IST)