Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ન્યાય પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી ૧/૩ થી ઓછી

ન્યાય પાલિકા પર ખર્ચમાં સૌથી આગળ દિલ્હી

નવી દિલ્હી તા. ૮: ન્યાય પ્રક્રિયામાં દેશની અર્ધી વસ્તીની ભૂમિકા એક તૃત્યાંશથી પણ ઓછી છે. અદાલતોમાં ફકત ર૬.પ ટકા મહિલા ન્યાયાધીશ છે. તો પોલિસદળમાં ફકત ૭ ટકા જેલોમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ૧૦ ટકાથી પણ ઓછી છે. એટલું જ નહીં, દિલ્હી પોલિસમાં મહિલાઓની ૩૩ ટકા ભાગીદારી સુનિશ્ચિત કરવામાં ૮૧ વર્ષ લાગશે જયારે બિહારમાં ૧૮ વર્ષ.

આ ખુલાસો ગઇકાલે બહાર પડાયેલ ઇન્ડીયા જસ્ટીસ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ન્યાયિક વ્યવસ્થા (અદાલત, પોલિસ અને જેલ) માં મહિલાઓની ભાગીદારી બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી છે. તેમ કહેવાયું છે કે દેશભરમાં ન્યાય અને કાયદાની વ્યવસ્થામાં મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે.

એટલું જ નહીં તેમાં કહેવાયું છે કે કોઇપણ રાજય પોતાને ત્યાં અનુસુચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે અનામત કવોટામાં યોગ્ય મહિલા પોલિસ અધિકારીઓની ભરતી નથી કરતા. ટાટા ટ્રસ્ટ અનુસાર દેશના છ રાજયો એવા છે જયાં પોલિસ દળમાં મહિલાઓની ભાગીદારી ૩૩ ટકા કરવામાં ૧૦૦ થી ૩૦૦ વર્ષ લાગશે. એટલું જ નહીં જમ્મુ કાશ્મીરમાં પોલિસ દળમાં ૩૩ ટકા મહિલાઓની ભાગીદારી કરવામાં ૩પ૩પ વર્ષ લાગશે.

આ રિપોર્ટ અનુસાર, દેશની ન્યાય પાલિકામાં ર૩ ટકા જજો ઓછા છે. અત્યારે દેશમાં ૧૮ર૦૦ ન્યાયાધીશ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જજોની સાથે સાથે તેમના માટે કોર્ટ રૂમની પણ અછત છે. દેશભરમાં ર૩૭પ૪ કોર્ટ રૂમ મંજુર થયેલા છે પણ તેમાંથી ૧૮ ટકા કોર્ટ રૂમ નથી બન્યા. આનું મુખ્ય કારણ નિર્માણની ધીમી ગતિ અને બજેટ છે.

દિલ્હી દેશનું એકમાત્ર રાજય છે જયાં ન્યાયપાલિકા પર સૌથી વધારે રકમ ખર્ચાય છે. દિલ્હી પોતાના કુલ બજેટના ૧.૯ ટકા ન્યાયપાલિકા પર ખર્ચે છે, જયારે કોઇપણ રાજય ૧ ટકો પણ ખર્ચ નથી કરતું રિપોર્ટ અનુસાર, દેશમાં જીડીપીનો ૦.૦૮ ટકા હિસ્સો જ ન્યાય પાલિકાની વ્યવસ્થા માટે ખર્ચાય છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ઉત્તર પ્રદેશમાં પોલિસની સૌથી વધુ જગ્યાઓ ખાલી છે. રિપોર્ટ અનુસાર, યુપીમાં પોલીસની પ૩ ટકા જગ્યાઓ ખાલી છે. જયારે દિલ્હી, કેરળ, તામિલનાડુ, નાગાલેન્ડ, આંદામાન-નિકોબારમાં પોલિસની જગ્યાઓ ખાલી નથી. આ ઉપરાંત બિહાર, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાતમાં રપ ટકાથી પણ વધારે જગ્યાઓ ખાલી પડી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં દર એક લાખની વસ્તીએ ફકત ૧પ૧ પોલિસ કર્મચારીઓ છે. જે દુનિયામાં વસ્તી અને પોલિસની સરેરાશ મુજબ સૌથી ઓછી છે.

(11:35 am IST)