Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મહારાષ્ટ્રમાં ગુંચની વચ્ચે દેવેન્દ્ર ફડનવીસે અંતે રાજીનામુ આપ્યું

ચૂંટણી અમારી સાથે લડી પણ શિવસેનાએ વાત એનસીપી સાથે કરી : રાજ્યપાલ કોશિયારીને રાજીનામુ સુપ્રત કર્યા બાદ શિવસેના પર દેવેન્દ્ર ફડનવીસના પ્રહારો : ૫૦-૫૦ ફોર્મ્યુલા પર ક્યારે વાત થઇ હોવાનો દેવેન્દ્ર ફડનવીસનો ઇન્કાર

મુંબઈ, તા. ૮ : મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ રાજકીય નિવેદનબાજીની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે આજે રાજીનામુ આપી દીધું હતું. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને રાજીનામુ સોંપી દીધા બાદ ફડનવીસે શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, શિવસેના ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ સરકાર બનાવવા માટેની વાતચીત શિવસેનાએ એનસીપી સાથે જારી રાખી હતી જેનાથી અમને ખુબ આઘાત લાગ્યો હતો. શિવસેનાના કેટલાક નેતાઓ જે રીતે નિવેદનબાજી કરી રહ્યા હતા તેનાથી પણ કઠોર ભાષામાં અમે જવાબ આપવાની સ્થિતિમાં હતા પરંતુ આ અમારી સંસ્કૃતિ રહી નથી. અમે બાલાસાહેબ ઠાકરેનું સન્માન કરીએ છીએ અને તેમની સામે ક્યારે પણ વિચારી શકતા નથી.

                    વડાપ્રધાન મોદીએ પણ ક્યારે પણ ઉદ્ધવ ઠાકરેની સામે કોઇ નિવેદનબાજી કરી નથી. તેમના ઉપર વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવી હોવા છતાં અમે ક્યારે પણ તેમની સામે નિવેદનબાજી કરી રહ્યા ન હતા. શિવસેનાના નેતાઓના નિવેદનથી આઘાત લાગ્યો છે. ફડનવીસે કહ્યું હતું કે, શિવસેનાના ૫૦-૫૦ સીએમના દાવા બિલકુલ આધાર વગરના છે. બહાનાબાજી હેઠળ આ પ્રકારના દાવા શિવસેના તરફથી કરવામાં આવ્યા છે. ફડનવીસે ઉમેર્યું હતું કે, ૫૦-૫૦ની ફોર્મ્યુલા પર ક્યારે પણ કોઇ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. સતત પ્રહાર કરી રહેલી શિવસેનાને ફડનવીસે આજે યોગ્ય જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ચૂંટણી અમારી સાથે જીતીને આવેલી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવા માટે વાતચીત કરી હતી. ફડનવીસના રાજીનામા બાદ પત્રકાર પરિષદ વેળા કેટલાક ટોપ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સરકાર કોણ બનાવશે તેને લઇને સસ્પેન્સ વધી ગયું છે. જો કે, ભાજપના નેતાઓ હજુ પણ માની રહ્યા છે કે, મુખ્યમંત્રી ફડનવીસ જ બનશે. ફડનવીસે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, વિધાનસભાની ચૂંટણીમાં અમારી પાર્ટીને અપેક્ષા કરતા ઓછી સીટો મળી છે પરંતુ અમારી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જનાદેશ એનડીએને લોકોએ આપ્યો હતો.

                   તેવો સ્પષ્ટતા કરવા માંગે છે કે, અઢી અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવાને લઇને કોઇ વાતચીત થઇ ન હતી. અમિત શાહ અને નીતિન ગડકરીને પણ આ અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા પરંતુ મુખ્યમંત્રી પર ૫૦-૫૦ ફોર્મ્યુલા પર કોઇપણ પ્રકારની વાતચીત થઇ ન હતી. ફડનવીસે કહ્યું હતું કે, જો આવી કોઇ બાબત રહી હોત તો અમે વાતચીત મારફતે સમસ્યાનો ઉકેલ લાવી શક્યા હોત. શિવસેનાએ માત્ર મુખ્યમંત્રીના મુદ્દે જ વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે તેમના ખુબ સારા સંબંધ રહેલા છે જ્યારે તેઓએ તેમને ફોન કર્યો ત્યારે ઉદ્ધવે ફોન ઉઠાવ્યો ન હતો. તેઓએ અમારી સાથે ચર્ચા કરવાના બદલે એનસીપી અને કોંગ્રેસ સાથે ચર્ચા કરી હતી. ચૂંટણી પરિણામ આવ્યા બાદ શિવસેનાએ નક્કી કરી લીધું હતું કે તે એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે. શિવસેના પર ખોટા નિવેદન કરવાનો આક્ષેપ કરતા ફડનવીસે કહ્યું હતું કે, શિવસેનાના નેતાઓએ આડેધડ નિવેદન કરી રહ્યા હતા. ફડનવીસે એવા આક્ષેપોને રદિયો આપ્યો હતો કે, મહારાષ્ટ્રમાં હોર્સટ્રેડિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રકારના આક્ષેપો આધાર વગરના હોવાની વાત તેઓએ કરી હતી. ફડનવીસે કહ્યું હતું કે, હાલમાં તેઓ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવાની સૂચના મુજબ કામ કરશે. સાથે સાથે દાવો કર્યો હતો કે, જ્યારે પણ મહારાષ્ટ્રમાં સરકાર બનશે ત્યારે તે ભાજપના નેતૃત્વમાં જ બનશે.

(7:24 pm IST)
  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST