Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

દેશમાં ન્યાય કરવાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ટોચનાં સ્થાન ઉપર

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-૨૦૧૯ના તારણો જારી : શ્રેષ્ઠ કામગીરી કરતાં રાજ્ય પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાયદેસરની સહાયમાં ૬૦ ટકા સ્કોર મેળવી શક્યાં નથી

અમદાવાદ,તા. ૭ : ભારતમાં નાગરિકો માટે ન્યાય કરવાની રાજ્યોની ક્ષમતા પર સૌપ્રથમ રેન્કિંગની જાહેરાત આજે અહીં થઈ હતી, જેમાં ૧૮ મોટા અને મધ્યમ કદનાં રાજ્યો(દરેક રાજ્યની વસતિ એક કરોડથી વધારે છે)માં મહારાષ્ટ્રને ટોચનું સ્થાન મળ્યું હતું. ત્યારબાદ અનુક્રમે કેરળ, તમિલનાડુ, પંજાબ અને હરિયાણાએ સ્થાન મેળવ્યું હતું. સાત નાનાં રાજ્યો (એક કરોડથી ઓછી ધરાવતાં રાજ્યો)માં ગોવા ટોચનાં સ્થાને હતું અને ત્યારબાદ સિક્કિમ અને હિમાચલપ્રદેશે સ્થાન મેળવ્યું હતું. આ રેન્કિંગ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (આઇજેઆર) ૨૦૧૯નો ભાગ છે, જે ટાટા ટ્રસ્ટની સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ, દક્ષ, ટીઆઇએસએસ-પ્રયાસ અને વિધિ સેન્ટર ફોર લિગલ પોલિસી સાથે જોડાણમાં શરૂ કરવામાં આવેલી પહેલ છે. લગભગ ૧૮ મહિનાનાં તુલનાત્મક સંશોધન દ્વારા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટે પહેલી વાર આ પ્રકારની કવાયત હાથ ધરી હતી, નહીં તો ન્યાય કરવા જરૂરી ચાર આધારસ્તંભો – પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાયદેસર સહાય પર સત્તાવાર સરકારી સૂત્રો પાસેથી આંકડાઓ પર આધાર રાખવો પડ્યો હતો. આ ચાર આધારસ્તંભોએ ન્યાય કરવાની સાથે નાગરિકોને સંતુષ્ટ કરવા સમન્વય સાથે કામ કરવું પડશે.

                દરેક આધારસ્તંભનું વિશ્લેષણ બજેટ, માનવ સંસાધનો, કામનું વ્યક્તિગત ભારણ, વિવિધતા, માળખાગત અને પ્રવાહો (પાંચ વર્ષનાં ગાળામાં સુધારવાનાં આશય સાથે)નાં અવલોકન દ્વારા કરવામાં આવ્યું હતું, જે માટે રાજ્ય સરકારોએ માપદંડો અને ધારાધોરણો જાહેર કર્યા હતાં. આ આધારસ્તંભોને આધારે રિપોર્ટમાં ૨૯ રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોની ક્ષમતાનું આકલન કરવામાં આવ્યું હતું તથા તેમાંથી ૧૮ મોટાં અને મધ્યમ કદનાં રાજ્યો અને સાત નાનાં રાજ્યોને રેન્ક આપવામાં આવ્યો હતો, જે સ્પર્ધાત્મકતાનો જુસ્સો પણ પૂરો પાડે છે. આ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની જરૂરિયાતનાં સમયે હસ્તક્ષેપ કરવાની ક્ષમતાઓ અને ખામીઓ પણ ઉજાગર કરે છે. જ્યારે સંપૂર્ણ ભારતની સ્થિતિનો વિચાર કરવામાં આવે તો, આ રિપોર્ટમાં મહત્ત્વપૂર્ણ તારણો પણ સામે આવ્યા હતા. જેમાં પોલીસ, જેલ અને ન્યાયતંત્રમાં ખાલી જગ્યા સામાન્ય સમસ્યા છે, જેમાં અડધા રાજ્યોએ જ પાંચ વર્ષનાં ગાળામાં આ ખાલી જગ્યાઓમાં ઘટાડો કરવાનો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ તરીકે, દેશમાં આશરે ૧૮,૨૦૦ ન્યાયાધીશો છે, ત્યારે ૨૩ ટકા મંજૂર થયેલી જગ્યાઓ ખાલી છે. આ ચારેય ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે, તો પોલીસમાં ફક્ત ૭ ટકા છે.

જેલોમાં કેદીઓની સંખ્યા એની ક્ષમતા કરતાં વધારે કેદીઓ એટલે ૧૧૪ ટકા કેદીઓ છે, જેમાં ૬૮ ટકા તપાસ, પૂછપરછ કે ટ્રાયલની રાહ જોતા કાચા કામનાં કેદીઓ છે. બજેટનાં સંબંધમાં જોઈએ તો મોટાં ભાગનાં રાજ્યો કેન્દ્ર સરકારે ફાળવેલા ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કરવા સક્ષમ નથી, ત્યારે પોલીસ, જેલ અને ન્યાયતંત્ર પર ખર્ચમાં વધારો રાજ્યનાં સંપૂર્ણ ખર્ચમાં થયેલા વધારે સાથે તાલમેળ જાળવી શક્યો નથી. ભારતમાં મફત કાયદાકીય સહાય પર માથાદીઠ ખર્ચ વર્ષે ૭૫ પૈસા છે. આ પ્રકારની સહાય મેળવવા માટે વસતિનો ૮૦ ટકા હિસ્સો લાયકાત ધરાવે છે. આ લોંચ પર જસ્ટિસ (નિવૃત્ત) મદન બી લોકુરે જણાવ્યું હતું કે, આ નવીન જાણકારીઓ આપતો ઉપયોગી અભ્યાસ છે, જેનાં તારણો આપણી આપણી શંકાથી પર રહેલી ન્યાય આપવાની વ્યવસ્થામાં રહેલા ગેપને સ્થાપિત કરે છે. આ આપણી ન્યાય વ્યવસ્થા સાથે સંબંધિત બાબતોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ છે, જે હકીકતમાં સમાજ, શાસન અને અર્થતંત્રનાં દરેક પાસાને અસર કરે છે. મને આશા છે કે, ન્યાયતંત્ર અને સરકાર મહત્ત્વપૂર્ણ તારણોની નોંધ લેશે અને રાજ્યો પણ પોલીસ, જેલ, ફોરેન્સિક, ન્યાય આપવાની વ્યવસ્થા, કાયદેસર સહાય અને ખાલી જગ્યાઓ ભરવાનાં વ્યવસ્થાપનમાં રહેલી ખામીઓને તાત્કાલિક ભરશે.

(12:00 am IST)
  • સીડબલ્યુસી બેઠકમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો સર્વસંમતિથી પાસ : સુપ્રિમના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો access_time 1:06 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST