Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

નંબર છે તો સરકારની રચના કરો : ભાજપને સીધો પડકાર

બ્લેકમેઇલિંગને ચલાવી લેવાશે નહીં : શિવસેના : ધારાસભ્યોને સુરક્ષિત રાખવા હોટલમાં ખસેડાયા : સંજય રાવત

મુંબઈ, તા. ૭ : ભાજપની સાથે ચાલી રહેલી ખેંચતાણ ચરમસીમા પર પહોંચ્યા બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદને લઇને મક્કમ વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે. પાર્ટીના પ્રવક્તા સંજય રાવતે કહ્યું છે કે, શિવસેના હજુ પણ મુખ્યમંત્રીની માંગ ઉપર મક્કમ છે. રાજ્યપાલ સાથે ભાજપના નેતાઓની બેઠક બાદ પત્રકાર પરિષદના જવાબમાં રાવતે કહ્યું હતું કે, ભાજપ જો સરકાર નહીં બનાવે તો આનો મતલબ સ્પષ્ટ છે કે, તેની પાસે બહુમતિ નથી. નંબર છે તો ભાજપ સરકાર બનાવી શકે છે તેવો ખુલ્લો પડકાર રાવતે ફેંક્યો હતો અને કહ્યું હતું કે, બ્લેકમેઇલિંગને ચલાવી લેવામાં આવશે નહીં. ભાજપના લોકો રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ઇચ્છા રાખી રહ્યા છે. જો સરકાર બનાવવાની સ્થિતિમાં નથી તો કહી શકે છે તેમની પાસે બહુમતિ નથી. જો રાજ્યપાલને મળીને આવ્યા છે તો તેમને ૧૪૫ ધારાસભ્યોની યાદી સોંપવાની જરૂર હતી. રાવતે કહ્યું હતું કે, પાર્ટી ધારાસભ્યોને કહેવામાં આવી ચુક્યું છે કે, અમારી માંગ હજુ પણ બદલાઈ નથી.

                ભાજપને પડકાર ફેંકવામાં પણ આવ્યો છે. બંધારણના દાંવપેચને ચલાવી લેવામાં આવશે. રાવતે કહ્યું હતું કે, અમે પણ તમામ દાંવપેચને સારીરીતે જાણીએ છીએ. અમે બંધારણની હદમાં રહીને રાજ્યમાં શિવસેનાના નેતાને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છુક છીએ. ભાજપના નેતાઓ વારંવાર કહી રહ્યા છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ બનશે. ઉદ્ધવ ઠાકરેની પણ આવી જ ઇચ્છા રહેલી છે. બીજી બાજુ નવા ધારાસભ્યોને આવાસ પર નહીં પરંતુ એક હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ધારાસભ્યોને હોટલમાં ખસેડવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે, ભાજપ તરફથી ભાગલા પાડવાની દહેશત દેખાઈ રહી છે. ભાજપ અને શિવસેના વચ્ચે જોરદાર ખેંચતાણ જારી રહી છે.

(12:00 am IST)