Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ચૂંટણી ખર્ચની મર્યાદા જાળવવા ધ્યાન રાખવા સંદર્ભે ઇલેકશન કમિશનને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હી: ચૂંટણી ખર્ચ અંગે પાર્લામેન્ટ અને એસેમ્બલી ઇલેકશન માટે નક્કી કરેલી રૂ. ૭૦ લાખ અને રૂ. ૨૮ લાખની મર્યાદા કરતા ચૂંટણી સમયે વધુ ખર્ચ થાય તે અંગે સતત દેખરેખ રાખવા સુપ્રીમ કોર્ટે નવેમ્બરના રોજ નોટિસ ઇસ્યૂ કરી ઈલેકશન કમિશનને તાકીદ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી સમયે વાપરવામાં આવતા વધુ નાણા અને કાળાનાણા સંદર્ભે આંધ્ર પ્રદેશ વિધાનસભાના પૂર્વ સભ્ય તેમજ આંધ્ર પ્રદેશ સ્ટેટ યુનિટ કોમ્યુનિસ્ટ પાર્ટીના સચિવ કાકા રામકૃષ્ણ્ને સુપ્રીમ કોર્ટમાં ધ્યાન દોરતી અરજી કરી હતી જેના પ્રતિભાવરૂપે સુપ્રીમ કોર્ટે ઇલેકશન કમિશનને તાકીદ કરી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે ચૂંટણી સમયે પાર્ટી દ્વારા થતી નાણાની હેરફેરને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવે. પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી સમયે થતી નાણાકીય હેરફેર તથા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક પગલાં લેવા અંગે ઇલેકશન કમિશન દ્વારા કરવામાં આવેલી તાકીદને સરકારે ધ્યાન પર લીધી નથી.

તેમણે ઉમેર્યું હતું કે ફ્રી અને ફેરચૂંટણી માટે ભ્રષ્ટાચાર ડામવાની મૂળભૂત જરૂરિયાત છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે થતો ભ્રષ્ટાચાર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૭૧ બી અને ૧૭૧ હેઠળ એક વર્ષની જેલની સજાપાત્ર ગુનો બને છે. પરંતુ તેને નોન કોન્ગીઝીબલ ઓફેન્સની જોગવાઈ પ્રાપ્ત થતી હોવાથી મતદાતાઓને લાંચ આપતા રેડ હેન્ડેડ પકડાયેલા વ્યક્તિ સામે પણ કાયદો લાચાર બને છે તેથી પિટિશનમાં તેને કોગિઝિબલ ઓફેન્સ હેઠળ આવરી લેવા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે ૨૦૧૪ લોકસભા ચૂંટણી અને ૨૦૧૮ દરમિયાન ઇલેકશન કમિશને રૂ. ૧૦૦૦ કરોડ જપ્ત કર્યા છે.

ચૂંટણી કમિશનમાં સતત સુધારા થતા રહે છે. લાંચ-રુશવતને કોગીઝિબલ ઓફેન્સ હેઠળ આવરી લેવાની અરજી પણ લાંબા સમયથી પેન્ડિંગ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કાકા રામક્રિષ્ણનના વકીલ અનિલ મિશ્રાએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને આવકાર્યો હતો.

(1:25 pm IST)