Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

આઠ રાજ્યોની હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંકને મળી મંજૂરી : ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કુમારની વરણી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના આઠ રાજ્યોની હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંકને મંજૂરી આપી

નવી દિલ્હી :  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના આઠ રાજ્યોની હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત 4 હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસની ગુજરાત હાઈકોર્ટમાં નિમણૂંક કરવામાં આવી છે.

ભારત સરકારના અધિક સચિવ રાજિંદર કશ્યપે જણાવ્યું કે, કર્ણાટક હાઈકોર્ટના જજ અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. આ સિવાય મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જજ પ્રકાશ શ્રીવાસ્તવને કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

હાલ ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ એમઆર શાહ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત છે. નવા નિમાયેલા જસ્ટિસ અરવિંદ કુમારે વર્ષ 1987માં એડવોકેટ તરીકે પ્રેક્ટિશ શરૂ કરી હતી.

મેઘાલયના જજ રંજીત વી મોરેને મેઘાલય ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વરણી કરવામાં આવી છે.

હિમાચલ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આરવી માલીમથને મધ્ય પ્રદેશના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રિતૂ રાજ અવસ્થીને કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમારને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે.

(10:24 pm IST)