Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મુંબઈના લેડી દબંગ ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સુજાતા પાટીલને એસીપીનું પ્રમોશન મળ્યું હતું : કવિતાઓના કારણે જાણીતા બનેલા સુજાતા પાટીલે એક કેસમાં ફરિયાદી પાસેથી લાખ રુપિયાની ડિમાન્ડ કરી

મુંબઈ,  તા.૯ : શહેર પોલીસમાં ફરજ બજાવતા તેમજ લેડી દબંગ તરીકેની છાપ ધરાવતા છઝ્રઁ સુજાતા પાટીલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવાયા છે. શુક્રવારે તેઓ એક ખાનગી વ્યક્તિ પાસેથી ૪૦,૦૦૦ રુપિયા રોકડા લેતા ઝડપાઈ ગયાં હતાં. છઝ્રમ્ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જોકે, શુક્રવારે સૂર્યાસ્ત બાદ તેઓ રુપિયા લેતા ઝડપાયા હોવાથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર તેમની ધરપકડ નહોતી કરાઈ. સુજાતા પાટીલ દર વર્ષે રમજાન મહિનામાં પોતે હિન્દુ હોવા છતાંય મુસ્લિમોની માફક રોજા રાખે છે. તેઓ કવિતાઓ પણ લખે છે, અને ૨૦૧૨માં થયેલા રમખાણો દરમિયાન આઝાદ મેદાનમાં અમર જવાન જ્યોતિ મેમોરિયલમાં થયેલી તોડફોડની નિંદા કરવા બદલ ચર્ચામાં આવ્યા હતા. તેમને હાલમાં જ પ્રમોશન આપીને એસીપી બનાવાયાં હતાં અને તેઓ મેઘવાડી ડિવિઝનમાં કાર્યરત હતાં.

જે કેસમાં તેઓ લાંચ લેતા ઝડપાયાં છે તે મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો છે. જેમાં ૨૨૦ ચોરસ ફુટના એક ગલ્લા પર કેટલાક લોકોએ કબજો જમાવી દેતા તેનો માલિક ૬ ઓક્ટોબરના રોજ જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયો હતો. પરંતુ પોલીસે ફરિયાદ ના લેતા તેણે સુજાતા પાટીલનો સંપર્ક કર્યો હતો.

સુજાતાએ તેની પાસેથી ૧ લાખ રુપિયાની ડિમાન્ડ કરી હતી, અને ૧૦ હજાર રુપિયા લીધા પણ હતા. ત્યારબાદ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ, રકઝકના અંતે સુજાતાએ આખરે ૪૦,૦૦૦માં કામ કરી આપવા સહમત થયાં હતાં. જોકે, ફરિયાદી તેને લાંચની રકમ આપવા ગયા ત્યારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી.

જેમાં સુજાતા પાટીલ રુપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીને નોટિસ પાઠવીને હાજર થવા માટે હુકમ કરાશે અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવશે.

(9:02 pm IST)