Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

વેક્સિન સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીર કેમ? : હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ

કોટ્ટાયમ રહેવાસી અરજદરે તર્ક આપ્યો કે વર્તમાન કોરોના સર્ટિફિકેટ એક નાગરિકના મૌલિક અધિકારોનો ઉલ્લંઘન કરે છે અને વડાપ્રધાનની તસવીર વગર સર્ટિફિકેટ આપવાની માંગ કરી : અરજદારે અમેરિકા, ઈન્ડોનેશિયા, ઈઝરાયલ અને જર્મની સહિતના દેશોના વેક્સિન સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કર્યા

નવી દિલ્હી :  કેરળ હાઈકાર્ટે કોરોના સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અંગે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેરળ હાઇકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર પાસેથી એ અરજી પર જવાબ માંગ્યો છે, જેમા વડાપ્રધાન મોદીની તસવીર વગર કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ આપવાની માંગ કરવામાં આવી હતી. કોટ્ટાયમ રહેવાસી અરજદરે તર્ક આપ્યો કે વર્તમાન કોરોના સર્ટિફિકેટ એક નાગરિકના મૌલિક અધિકારોનો ઉલ્લંઘન કરે છે અને વડાપ્રધાનની તસવીર વગર સર્ટિફિકેટ આપવાની માંગ કરી છે.

નોટિસ મોકલ્યા પછી ન્યાયમૂર્તિ પીબી સુરેશ કુમારે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેને બે અઠવાડિયામાં પોતાના વિચારો રજૂ કરવા આદેશ આપ્યો છે. અરજદારે અમેરિકા, ઈન્ડોનેશિયા, ઈઝરાયલ અને જર્મની સહિતના દેશોના વેક્સિન સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ સાથે અરજદારે જણાવ્યું કે, અન્ય દેશોના વેક્સિન સર્ટિફિકેટમાં વિવિધ માહિતીઓનો ઉલ્લેખ કરાયો છે. જોકે ત્યાંના દેશો સરકારના વડાની તસવીર વેક્સિન સર્ટિફિકેટ પર નથી લગાવી.

વકીલ અજીત જોયના માધ્યમથી દાખલ અરજીમાં તેમણે જણાવ્યું કે મહામારી વિરુદ્ધના યુદ્ધને જનસંપર્ક અને મીડિયા અભિયાનોમાં ફેરવી દેવામાં આવ્યું છે અને તેનાથી એવુ લાગે છે કે તે એક વન મેન શો છે અને આ સમગ્ર અભિયાન એક વ્યક્તિને પ્રોજેક્ટ કરવાનું છે. અને આ એક સરકારી ખજાનામાંથી કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમને પીએમની તસવીર વગરનું સર્ટિફિકેટ લેવાનો સંપૂર્ણ અધિકાર છે.

(7:48 pm IST)