Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

લખીમપુર હિંસામાં માર્યા ગયેલા ડ્રાઇવર પરિવારની કરૂણ કથની

ડ્રાઇવર હરિઓમ પોતાના પરિવારમાં કમાનાર એકલો હતોઃ બહેનોને પરણાવવામાં અને પિતાની સારવાર પાછળ જંગી દેવું થઇ ગયું: બહેનને અભ્યાસ છોડવો પડશેઃ ભયાનક ગરીબાઇ

લખનૌ (યુ.પી.) લખીમપુર ખીરી કેસ સાથે સંકળાયેલ એક નવી વિડીયો કલીપ સામે આવી છે. જેમાં ૩ ઓકટોબરે તિકુનીયા વિસ્તારમાં ઝડપી ગતિએ ત્રણ ગાડીઓ સ્કોર્પીઓ, થાર, અને ફોર્ચ્યુનર પ્રદર્શનકારી ખેડુતોને કચડતી હોય તેવું દેખાઇ રહ્યું છે. ખેડૂતોને કચડનારી સૌથી પહેલી ગાડી મહિન્દ્રા થાર છે. કેન્દ્રીય પ્રધાન અજય મિશ્ર ટેનીએ પુષ્ટી કરી છે કે આ થાર ગાડી તેમની હતી. જે તેમના પરિવારના નામે રજીસ્ટર્ડ છે.  થાર ગાડીના ડ્રાઇવર તરીકે૩૧ વર્ષીય હરીઓમ તરીકે ઓળખ થઇ છે. જે છેલ્લા છ વર્ષથી અજય મિશ્ર માટે કામ કરતો હતો.

૩ ઓકટોબરે લખીમપુરમાં થયેલ હિંસામાં માર્યા ગયેલ ૮ લોકોમાં હરીઓમ પણ હતો. પરસેહરા ગામમાં હરીઓમનું મકાન છે. જેમાં ટીનનો એક નાકડો પતરાનો દરવાજો છે અને બે નાના રૂમ છે. ઘરમાં ૬૦ વર્ષની વૃધ્ધ અને બિમાર માતા-નિશા, પિતા અનેએક નાની બહેન રહેછે. માનસિક રોગથી પીડિત પિતા આખો દિવસ ખાટલા પર પડયા રહેછે તેને એ પણ ભાન નથી કે હરીઓમ હવે કયારેય પાછો નહીં આવે.

ગરીબીના કારણે હરીઓમ વધુ ભણી ના શકયો અને ગાડી ચલાવવા લાગ્યો છેલ્લા છ વર્ષથી તે સાંસદ અજય મિશ્ર ટેનીની ગાડી ચલાવતો હતો. અજય મિશ્ર કેન્દ્રીય પ્રધાન બનતા તેમને સરકારી ગાડી અને ડ્રાઇવર મળ્યા એટલે હરીઓમ અજયના ઘરની અન્ય ગાડી ચલાવતો હતો.

હરીઓમના પિતરાઇ ભાઇ રજનીકાંતે કહ્યું કે હરીઓમનો પરિવાર બહુ ગરીબ છે, તેને ત્રણ બહેનો છે. જેની દેખભાળ પણ હરીઓમ રાખતો હતો. તેના પિતાની દવાઓ પણ બહુ મોંઘી છે. તેને મહિને ૧૦-૧ર હજાર રૂપિયા માંડ કમાતો હતો.

હરિઓમની સૌથી નાનીબહેન માહેશ્વરી ૧ર ધોરણ સુધી ભણી છે. તેણે કહ્યું ''ભાઇ ઇચ્છતા હતા કે જયાં સુધી મારૂ મન હોય ત્યાં સુધી ભણું મારી ફી એ ભરતા હતા. તેમના ગયા પછી ઘરમાં હવે કોઇ કમાનાર નથી. પિતાજીની હાલત નાજુક છે, માં પણ બિમાર છે. નાનો ભાઇ બેકાર છે. પરિવાર પર લાખોનું કરજ છે. એટલે હવે હું આગળ નહીં ભણી શકું.'' મોટી બહેનોના લગ્ન અને પિતાની સારવારના ખર્ચને લીધે પરિવાર પર ૭.પ લાખ રૂપિયાનું દેવું છે.

હરીઓમના મોતથી તેની માતા આઘાતમાં છે. તે આ સત્યને માની નથી શકતી તે કહે છે. ''મારી અને મારા પતિની તબીયત ખરાબ રહે છે. તે આઠવાડીયે એકવાર ઘરે આવતો અમારા કપડા પણ તે ધોઇ આપતો તેના લગ્ન પણ નહોતા થયા.''

હરીઓમના પિતરાઇ ભાઇ રજનીકાંતે કહ્યું ''ચાર ઓકટોબર અમે પોલીસ સ્ટેશને એફઆઇઆર નોંધાવવા ગયા હતા. ત્યારે અમે અજય મિશ્ર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું. કે નાની બહેનના લગ્નમાં એક લાખની મદદ કરીશ. આ સિવાય બીજી કોઇ વાત નથી થઇ. જયારથી આ ઘટના બની છે ત્યારથી આશીષ અને અજયનો કોઇ સંપર્ક નથી થઇ રહ્યો. એ લોકો પરિવારને મળવા પણ નથી આવ્યા.''

રજનીકાંતે વધુમાં કહ્યું ''ત્યાં કોઇ ખેડુત નહોતો અમે પણ ખેડુત છીએ આજુબાજુના બધા ગામોમાં ખેતીજ થાય છે. કોઇને કૃષિ કાયદાઓથી કોઇ ફરક નથી પડતો કોઇને તે બાબતે કંઇ ખબર પણ નથી. જે લોકો એ દિવસે તિકુનિયામાં હતા તે બધા સરદારજી હતા. કોઇ ખેડુત નહોતો. સરદારોએ હિંસા કરી અને બધાને મારી નાખ્યા હતા.''

(1:04 pm IST)