Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

શ્રીનગરમાં પોલીસ ટીમ પર હુમલો : જવાબી કાર્યવાહીમાં ૧ આતંકી ઠાર : ગૃહમંત્રીની આજે બેઠક

માર્યો ગયેલો આતંકી લશ્કરનો હોવાનું કહેવાય છે

જમ્મુ,તા.૯: શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો થયો છે. આ હુમલાનો જડબાતોડ જવાબ આપતા પોલીસ કર્મચારીઓએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. માર્યો ગયેલો આતંકી લશ્કરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે તેની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. ત્યારે શ્રીનગરના મેથાન વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું છે. દરમિયાન, કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આજે બેઠક કરવા જઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ શ્રીનગરના નાટીપોરામાં આતંકીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં પોલીસે કરેલી કાર્યવાહીમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મેળવેલા ઓળખપત્ર અનુસાર, તેની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ટ્રેન્ઝ શોપિયાના આકીબ બશીર કુમાર તરીકે થઈ છે.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને દ્યેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ખીણનું શાંતિપૂર્ણ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં ગુરુવારે એક મહિલા આચાર્ય સહિત એક સરકારી શાળાના બે શિક્ષકોની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આતંકીઓએ શાળામાં પ્રવેશ કરીને સુપિન્દર કૌરની હત્યા કરી હતી. સુપિન્દર કૌર શ્રીનગરના અલોચી બાગના રહેવાસી આરપી સિંહની પત્ની હતી અને એક સરકારી શાળાની આચાર્ય હતી.

છેલ્લા પાંચ દિવસમાં ખીણમાં સાત નાગરિકો માર્યા ગયા છે, જેમાંથી છ શહેરમાં માર્યા ગયા છે. મૃતકોમાં ચાર લદ્યુમતી સમુદાયના હતા. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંદ્યનું કહેવું છે કે આતંકવાદીઓ ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વર્ષો જૂની કોમી સંવાદિતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે ગરીબી અને આતંકનો સમન્વય છે. સુરક્ષા દળો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને તેમને આપતા રહેશે. 

(11:01 am IST)