Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

IPL - 2021 : દિલ્હી સામે બેંગ્લોરે છેલ્લા બોલે છગ્ગો ફટકારી 7 વિકેટે રોમાંચક જીત મેળવી : શ્રીકર અને મેક્સવેલની ફીફટી

અંતિમ બોલ પર શ્રીકર ભરતે છગ્ગો ફટકારી આરસીબીને જીત અપાવી

મુંબઈ :IPL 2021 ની 56 મી મેચ દુબઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. બંને ટીમો પહેલા થી જ પ્લેઓફની ટીકીટ કાપી ચુકી હતી. વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટે 164 રન કર્યા હતા. જવાબમાં શ્રીકર ભરત ના અર્ધશતક સાથે RCB એ 3 વિકેટે 166 રન અંતિમ બોલે છગ્ગો ફટકારીને જીત મેળવી હતી.

રન ચેઝ કરવા માટે પિચ પર આવેલી વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની ટીમ માત્ર 6 રનના સ્કોર પર જ પેવિલિયન પરત પહોંચી ગઇ હતી. પડિક્કલ તેના પ્રથમ બોલ પર આઉટ થયો હતો, એટલે કે ગોલ્ડન ડક આઉટ થયો હતો. જ્યારે કોહલી 8 બોલનો સામનો કરીને 4 રન કરી આઉટ થયો હતો. બંને ઓપનરોની વિકેટ ગુમાવતા આરસીબીની ટીમે ધીમી શરુઆત કરી હતી.

શ્રીકર ભરતે અર્ધશતક ફટકાર્યુ હતુ, તેણે અંતિમ બોલે છગ્ગો લગાવીને જીત અપાવી હતી. 52 બોલમાં 78 રન ફટકાર્યા હતા. જેમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલે અર્ધશતક 32 બોલમાં ફટકાર્યુ હતુ. તે 53 રન પર અણનમ રહ્યો હતો. એબી ડિવિલીયર્સ 26 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો. તે અક્ષર પટેલનો શિકાર થયો હતો. તેમે 1 છગ્ગો અને 2 ચોગ્ગા લગાવ્યા હતા.

અંતિમ ઓવરમાં 15 રનની જરુર હતી મેક્સવેલે આવેશ ખાનના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલે 2 રન લીધા હતા. ત્રીજા બોલે એક રન લીધો હતો. ચોથો બોલ ડોટ રહ્યો હતો. પાંચમાં બોલે 2 રન લીધા હતા. અંતિમ બોલ વાઇડ રહ્યો હતો. આમ અંતિમ બોલ પર શ્રીકર ભરતે છગ્ગો લગાવીને આરસીબીને જીત અપાવી હતી

(12:00 am IST)