Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમેરિકી હુમલામાં ફુંકાયેલો આસીમ યુપીનો હતો : રિપોર્ટ

સપ્ટેમ્બર અમેરિકી હવાઈ હુમલામાં મોત : વર્ષ ૧૯૯૧માં યુપીમાં ગ્રેજ્યુએટ થયા બાદ પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો : અનેક આતંકવાદી ગતિવિધિમાં જોડાયો

નવીદિલ્હી,તા.૯ : અમેરિકાના હવાઈ હુમલામાં ફુંકાયેલો અલકાયદાનો ભારતીય પેટાખંડનો કમાન્ડર મૌલાના આસીમ ઉમર ઉત્તરપ્રદેશનો નિવાસી હતો. આસીમ ઉંમર સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. અફઘાનિસ્તાનમાં અમેરિકાએ હવાઈ હુમલા કર્યા હતા. ઉંમર ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાનો નિવાસી હતો જ્યાં તે સનાઉલ હક ઉર્ફે સનુના નામથી ઓળખાતો હતો. સંભલના દિપાસરાય વિસ્તારમાં તે રહેતો હતો પરંતુ ૧૯૯૦ના દશકમાં તે પાકિસ્તાન જતો રહ્યો હતો. જુલાઈ ૨૦૧૮માં અમેરિકાએ આસીમ ઉંમરને પોતાની ગ્લોબલ ટેરેરિસ્ટની યાદીમાં મુકી દીધો હતો. આની સાથે જ અમેરિકાએ અલકાયદાની ભારતીય પેટાખંડની વિદેશી ત્રાસવાદીઓની યાદીમાં પણ મુકી દેવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા દ્વારા હવે ત્રાસવાદી આસીમના મોતના અહેવાલને સમર્થન આપ્યું છે. સાથે સાથે ૨૩મી સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવેલા હુમલામાં અફઘાનિસ્તાનના હેલમાન્ડ પ્રાંતના મુસાકાલા જિલ્લામાં અન્ય છ અલકાયદાના ત્રાસવાદીઓ પણ ઠાર થયા હતા.

               દારુઉલુમ સાથ અભ્યાસ કરીને ૧૯૯૧માં ગ્રેજ્યુએશન કરવામાં આવ્યા બાદ આસીમ ઉંમર પાકિસ્તાન જતો રહ્યો હતો. તે નૌસેરા સ્થિત દારુલ ઉલુમ હક્કાની સાથે જોડાઈ ગયો હતો. આ મદરેસાને જેહાદ યુનિવર્સિટી તરીકે ગણવામાં આવે છે. પોતાની બહેન અને અસકારી ટ્રેનિંગ લીધા બાદ તે હરકત ઉલ મુઝાહિદ્દીનનો હિસો બની ગયો હતો. ત્યારબાદ તે તહેરિકે તાલિબાન સાથે પણ જોડાયો હતો. તેની ત્રાસવાદી ગતિવિધિમાં ઉલ્લેખનીય ભૂમિકાના લીધે સપ્ટેમ્બર ૨૦૧૪માં એક વિડિયો સંદેશ જારી કરીને અલકાયદાના લીડર અલજવાહીરીએ તેને ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ત્રાસવાદી ગતિવિધિને વધારવા માટે ભારતીય પેટાખંડ માટે મોટી જવાબદારી સોંપી હતી. ત્યારબાદ જવાહીરીએ ઉંમરને ભારતીય પેટાખંડમાં આતંકવાદી ગતિવિધિને વધારવા માટે કમાન્ડર તરીકેની જવાબદારી સોંપી હતી. એજ વર્ષે અફઘાનિસ્તાનના મિરાનશાહ શહેરમાં જવાહીરીએ આસીમ ઉંમરને કમાન્ડર તરીકે પસંદ કરીને અન્યોમાં વિશ્વાસ જગાવવાના પ્રયાસ કર્યા હતા. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જારી રાખેલા હવાઈ હુમલાના ભાગરુપે સપ્ટેમ્બરમાં ત્રાસવાદી કેમ્પ પર હુમલા કરાયા હતા જેમાં આસીમ ઉંમરનું મોત થયું હતું. ઉત્તરપ્રદેશના નિવાસી હોવાની વિગત હવે ખુલી છે.

(7:37 pm IST)