Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કોંગ્રેસ-એનસીપી એક જ ઝાડ નીચે ઉછર્યા છે: ભવિષ્યમાં એકસાથે આવશે: સુશીલકુમાર સિંદે

મર્જરની સ્થિતિમાં કોંગ્રેસ પવાર અને તેમના જૂથને નેતૃત્વ સોંપશે કે કેમ તે આ ચર્ચાનું કેન્દ્ર

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ એક મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એક સાથે આવશે.

  સોલાપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સુશીલ કુમાર શિંદેએ તેમની સાથી એનસીપી વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. શિંદેએ કહ્યું, 'કોંગ્રેસ અને એનસીપી બંને સમાન છે. અમે બંને એક જ ઝાડ નીચે ઉછર્યા. ઈન્દિરા ગાંધી અને યશવંત રાવ ચવ્હાણના નેતૃત્વ હેઠળ આગળ વધ્યા છે.

  ચૂંટણી અને રાજકારણમાં સતત પાછળ પડી રહેલ કોંગ્રેસ અને એનસીપીના મર્જરની ચર્ચા અગાઉ પણ થઈ હતી. લોકસભાની ચૂંટણી 2019 પછી પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ શરદ પવારે સત્તાવાર રીતે તેનો ઇનકાર કર્યો હતો. જો કે, આ પછી પવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે કોંગ્રેસને લાગે છે કે બંને પક્ષોએ સાથે આવવું જોઈએ.

  હવે સુશીલ કુમાર શિંદેના નિવેદનથી આ ચર્ચાને વધુ હવા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષોના મર્જરમાં નેતૃત્વ એક મોટી અડચણ છે, મર્જરની સ્થિતિમાં કોંગ્રેસ પવાર અને તેમના જૂથને નેતૃત્વ સોંપશે કે કેમ તે આ ચર્ચાનું કેન્દ્ર છે.

(1:41 pm IST)