Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કયાં છે મંદી? ઇ-કોમર્સ કંપનીઓનો ર૧૦૦૦ કરોડનો વેપાર

મંદીને ખોટી ઠેરવતા આંકડા સામે આવ્યાઃ નવરાત્રી સાથે તહેવારો શરૂ થતાં જ ચોતરફ ખરીદી નીકળી : ફિલપકાર્ટ અને એમેઝોને સટાસટી બોલાવીઃ ૧.૬પ લાખની કિંમતના ગેલેકસી ફોલ્ડ મોડલના ૧૬૦૦ પીસ ૩૦ મીનિટમાં વેંચાઇ ગયા

નવી દિલ્હી તા. ૯ :.. અર્થ વ્યવસ્થામાં મંદીના દેકારા વચ્ચે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. નવરાત્રીની તહેવારોની મોસમમાં જોરદાર વેચાણ જોવા મળ્યું છે. એમેઝોન અને ફિલપકાર્ટ જેવી મોટી કંપનીઓની આગેવાનીમાં શરૂઆતના ૬ દિવસોમાં (ર૯ સપ્ટેમ્બરથી ૪ ઓકટોબર) ઇ-કોમર્સ કંપનીઓએ રેકોર્ડ ત્રણ અબજ ડોલર (લગભગ ર૧ હજાર કરોડ રૂપિયા)નો ધંધો કર્યો છે. વોલમાર્ટની માલિકી વાળી ફિલપકાર્ટ અને એમેઝોનની તેમાં ૯૦ ટકા ભાગીદારી રહી હતી. બેંગ્લોરની રિસર્ચ ફર્મ રેસીયર કન્સલ્ટન્સીએ આ માહિતી આપી છે. આ પહેલા, ચાર ઓકટોબરે પ્રી બુકીંગ ખુલતા જ સેમસંગના ૧.૬પ લાખ રૂપિયાની કિંમતના ગેલેકસી ફોલ્ડ મોડલના ૧૬૦૦ ફોન માત્ર ૩૦ મીનીટમાં વેચાઇ ગયા હતાં.

રિસર્ચ ફર્મનું કહેવું છે કે તહેવારોની મોસમની શરૂઆત જોતા એવું લાગે છે કે ઓકટોબરમાં કુલ ઓન લાઇન વેચાણનો આંકડો લગભગ ૪ર૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. રેડસીયરના સ્થાપક અને સીઇઓ અનિલકુમારનું કહેવું છે કે વેચાણના આ આંકડાઓ દર્શાવે છે કે ઓન લાઇન શોપીંગ બાબતે ગ્રાહકોનું વલણ સકારાત્મક છે. ગયા વર્ષ કરતા આ વર્ષની તહેવારોની મોસમમાં ૩૦ ટકા વધારો જોવા મળ્યો છે. વેચાણ બાબતે મોબાઇલ ક્ષેત્ર સૌથી ઉપર રહ્યું હતું. વેચાયેલ સામાનમાં પપ ટકા હિસ્સો મોબાઇલનો હતો.

તહેવારોની સીઝનની શરૂઆતના વેચાણમાં ૬૦ થી ૬ર ટકા ફિલપકાર્ટના હિસ્સામાં ગયું હતું. ગ્રાહકોને આપવામાં આવેલ સારી ડીલને જોતા હપ્તાથી ખરીદીનો વિકલ્પ પણ ખુબ ચાલ્યો. એમેઝોનના કારોબારમાં ગયા વર્ષની સરખામણીએ રર ટકા વધારો થયો. ફિલપકાર્ટે જણાવ્યું કે આ તહેવારોની મોસમાં ગયા વર્ષની સરખામણીમાં ગ્રાહકોની સંખ્યામાં પ૦ ટકાનો વધારો થયો. છ દિવસ ચાલેલા સેલ દરમ્યાન વેબસાઇટને ૭૦ અબજ વ્યુ મળ્યા. નાના શહેરોમાં ગ્રાહકોની સંખ્યામાં પ૦ ટકાના વધારો થયો. જયારે ફલીપકાર્ટના પ૦ ટકા ટોપ સેલર્સનું વેચાણ ૪ ગણા સુધી વધ્યું હતું.

(11:25 am IST)