Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ચીનથી આગળ રહેશે ભારતઃ IMFની ભવિષ્‍યવાણી

આંતરરાષ્‍ટ્રીય નાણા ભંડોળે ૨૦૧૮માં ભારતનો વિકાસ દર ૭.૩ ટકા તથા ૨૦૧૯માં ૭.૪ ટકા રહેશે તેવું અનુમાન દર્શાવ્‍યું : ગ્રોથના મામલે ભારત ચીન કરતા આગળ રહેશેઃ વિશ્વની સૌથી ઝડપી ગ્રોથવાળી ઈકોનોમી બની જશે

નવી દિલ્‍હી, તા. ૯ : આંતરરાષ્‍ટ્રીય નાણા ભંડોળે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપીના ગ્રોથનું અનુમાન યથાવત રાખ્‍યું છે. જો કે મોંઘા ક્રૂડ અને ગ્‍લોબલ ફાયનાન્‍સમાં ઘટાડાને કારણે આવતા વર્ષ માટે તેના જીડીપી ગ્રોથમાં થોડો ઘટાડો કર્યો છે તેનુ એ પણ કહેવું છે કે ઈન્‍ડીયા ગ્રોથના મોરચે ચીનથી ઘણુ આગળ હશે અને વિશ્વમાં સૌથી ઝડપથી ગ્રોથ કરતી ઈકોનોમીનું બિરૂદ તે જાળવી રાખશે.

આઈએમએફએ આજે અનુમાન દર્શાવ્‍યુ છે કે, ૨૦૧૮માં ભારતનો વિકાસદર ૭.૩ ટકા અને ૨૦૧૯માં ૭.૪ ટકા રહી શકે છે. ૨૦૧૭માં ભારતનો વિકાસ દર ૬.૭ ટકા હતો.

આઈએમએફએ વર્લ્‍ડ ઈકોનોમીક આઉટલુક રીપોર્ટમાં કહ્યુ છે કે, ૨૦૧૮માં ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહેશે અને ૨૦૧૯માં ૭.૪ ટકા રહેશે.

જો આ અનુમાન સાચુ ઠરે તો ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ બની જશે. તે ચીનને પણ પછાડી દેશે કારણ કે ૨૦૧૮માં તેનો વિકાસ દર ૦.૭ ટકા અને ૨૦૧૯માં ૧.૨ ટકા સુધી વધવાની ઉમ્‍મીદ છે.

૨૦૧૭માં ચીન સૌથી ઝડપથી વિકાસ દર મેળવનાર દેશ હતો અને તે ભારતથી ૦.૨ ટકા પોઈન્‍ટથી આગળ હતો.

આઈએમએફના રિપોર્ટ જણાવે છે કે ૨૦૧૯ના વિકાસ દરમાં ચીનની ૦.૨ ટકા પોઈન્‍ટના ઘટાડાથી તેની છબી ઉપર વિપરીત અસર પડશે. આઈએમએફ એ ૨૦૧૯ માટે ચીનના વિકાસ દરનું અનુમાન ૬.૪ ટકાથી ઘટાડીને ૬.૨ ટકા કરેલ છે. આઈએમએફનું માનવું છે કે ચીન પર અમેરિકી પ્રતિબંધોની અસર તેના વિકાસ દર પર પડશે તેથી તેની રફતાર ઘટશે. જો કે આઈએમએફ એ ૨૦૧૮ માટે ચીનના વિકાસ દરનું અનુમાન ૬.૬ ટકા યથાવત રાખેલ છે.

(11:39 am IST)