Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગુજરાતની ઘટનાના પડઘાઃ કોંગ્રેસ દ્વારા યુપીમાં જીલ્લા સ્‍તરે ઉગ્ર દેખાવો-પ્રદર્શન

મોદી મૌન કેમ છે ? રાજ બબ્‍બરનો સવાલ

નવી દિલ્‍હી, તા. ૯ :. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્‍બરે ગુજરાતમાં એક નવજાત બાળકી સાથે દુષ્‍કર્મની બિભત્‍સ ઘટના પછી થયેલી ભીડ હિંસાના શિકાર અને ગુજરાત છોડવા માટે મજબુર કરાઈ રહેલા ઉત્તર ભારતીયોની ભયાનક સ્‍થિતિ માટે ભાજપા સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમણે ગુજરાતમાં ભીડ દ્વારા હિંસા પર વડાપ્રધાનના મૌનની ટીકા કરીને કહ્યું કે કોંગ્રેસ ઉત્તર ભારતીયો પર થઈ રહેલી હિંસા વિરૂદ્ધ મંગળવારે રાજ્‍યભરમાં દેખાવો કરશે.

રાજ બબ્‍બરે કહ્યું કે ભાજપાએ આખા દેશમાં અને સમાજમાં જે ભીડવાદી સંસ્‍કૃતિનું નિર્માણ કર્યુ છે, ગુજરાત તેનુ વ્‍યવહારીક પરિણામ છે. ગુજરાત પહેલાથી જ ભાજપાની પ્રયોગશાળા રહી ચૂકયુ છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્‍ય પ્રદેશ વગેરેના લગભગ ૪૦,૦૦૦ ગરીબ મજુરો અત્‍યાર સુધીમાં પોતાની આજીવિકા છોડીને ભાગી છૂટયા છે. મુખ્‍યમંત્રી યોગી દ્વારા ઘોષિત ઉત્તર પ્રદેશના અયોગ્‍ય નવયુવાનો ગુજરાતમાં ભાજપાની યોગ્‍ય સરકારનો શિકાર બની રહ્યા છે.

બબ્‍બરે કહ્યું કે લગભગ ૨૦૦ લોકોની ધરપકડ અને લગભગ ૫૦૦ ઉત્તર ભારતીયો પર એફઆઈઆર એ વાતનું પ્રમાણ છે કે ગુજરાતની ભાજપા સરકાર અંગ્રેજો પાસેથી શીખેલી ભાગલા પાડો અને રાજ કરોની નિતી પર ચાલી રહી છે. આ નિતીગત કુશાસન છે અને દેશની જનતાને પ્રાંતવાદમાં બાંટવાનું ષડયંત્ર છે.

વડાપ્રધાન પર હુમલો કરતા તેમણે કહ્યું ગંગામૈયાના સ્‍વઘોષિત પુત્ર વડાપ્રધાન મોદીનું મૌન અને રાજ્‍ય સરકાર દ્વારા અરાજક શકિતઓને રક્ષણ એ વાતની સાબિતી છે કે ભાજપા સરકાર ષડયંત્ર રચીને ઉત્તર ભારતીયોને ગુજરાતમાંથી વિસ્‍થાપિત કરી રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહારના સ્‍વમાનને ઠેસ પહોંચાડીને ઉત્તર ભારતીય વિકાસ પરિષદના કાર્યકર્તાઓને પકડીને તેમના પર ખોટા કેસ થઈ રહ્યા છે.'

રાજ બબ્‍બરે કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો વિરૂદ્ધ કરાઈ રહેલા ઉત્‍પીડનના વિરોધમાં રાજ્‍યના બધા જીલ્લા અને શહેર કોંગ્રેસની કમીટીઓ મંગળવારે (૯ ઓકટોબર)ના રાજ્‍યના બધા જીલ્લા મુખ્‍યાલયો પર પ્રદર્શન કરશે.

 

(11:40 am IST)