Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મ.પ્રદેશ - રાજસ્‍થાન - છત્તીસગઢનો ચૂંટણી જંગ જીતવા ભાજપે ઘડી રણનીતિ : ટોચના નેતાઓની ફોજ ઉતારશે

ચૂંટણી પ્રચાર શરૂ થાય એ પહેલા જ મોદી-શાહ ઉપરાંત ૧ ડઝન નેતાઓ ત્રણેય નેતાઓ ત્રણેય રાજ્‍યોમાં ફરી વળશે

નવી દિલ્‍હી તા. ૯ : પોતાની સત્તાવાળા મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં સરકાર વિરોધી વાતાવરણ સામે નિપટવા માટે ભાજપાએ ચૂંટણી વ્‍યવસ્‍થા મજબૂત કરવાની સાથે પોતાના મોટા નેતાઓની વધારેમાં વધારે સભાઓની યોજના તૈયાર કરી છે.

પક્ષના આંતરિક અંદાજમાં ત્રણેય રાજ્‍યોમાં સખત રસાકસી છે એટલે પક્ષ પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન મોદી ઉપરાંત લગભગ એક ડઝન કેન્‍દ્રીય નેતાઓ ચુંટણી અભિયાન શરૂ થતાં પહેલા ત્રણેય રાજ્‍યોની મુલાકાતનો એક રાઉન્‍ડ પુરો કરી લેશે. લોકસભાની ચૂંટણી પહેલા થનાર આ રાજ્‍યોની ચૂંટણી એક રીતે સેમીફાઇનલ તરીકે ગણવામાં આવે છે.

એટલે ભાજપા નેતાગીરીએ પોતાની સંગઠન શકિતની સાથે મોટા નેતાઓને ઉતારવાનું શરૂ કર્યું છે. ભાજપા પ્રમુખ અમિત શાહ પોતે પણ ત્રણ રાજ્‍યોની સૌથી વધુ મુલાકાત લેવાના છે. શાહ કાર્યકરોના સંમેલન અને રોડ શો દ્વારા વાતાવરણ બનાવવાની સાથે જ જનતાનો મૂડ પણ ચકાસી રહ્યા છે.

સૂત્રો અનુસાર ઉમેદવારોના નામ ઘોષિત કરતા પહેલા વડાપ્રધાન મોદી પણ કેટલાક વિસ્‍તારોની મુલાકાત લેશે. તેમના ઉપરાંત રાજનાથસિંહ, નિતીન ગડકરી, ધર્મેન્‍દ્ર પ્રધાન, પીયુષ ગોયલ, પ્રકાશ જાવડેકર, સ્‍મૃતિ ઇરાની, કલારાજ મિશ્ર, ભૂપેન્‍દ્ર યાદવ વગેરે ચૂંટણી પ્રવાસ કરશે.

(11:37 am IST)