Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ચંદ્રયાન-૨ : ચંદ્ર પર પડ્યા બાદ પણ લેન્ડર વિક્રમ તુટ્યુ જ નથી

ચંદ્ર પરથી સારા સમાચાર આવ્યા બાદ હજુ પણ આશા : વિક્રમ લેન્ડરના એન્ટીના કઇ દિશામાં છે તે બાબત પણ ખુબ મહત્વની રહેશે ઓર્બીટર આગામી બે દિવસમાં એજ સ્થળથી જશે જ્યાં સંપર્ક તુટ્યો હતો

નવીદિલ્હી, તા. ૯ : ચંદ્રયાન-૨ને લઇને કેટલાક મોટા સમાચાર આવી રહ્યા છે પરંતુ હજુ પણ આશા ઓછી દેખાઈ રહી છે. આ મિશન સાથે જોડાયેલા ઇસરોના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, વિક્રમ લેન્ડર પૂર્વ નિર્ધારિત જગ્યાની નજીક જ પડ્યું છે. મોટી વાત એ છે કે, તેમાં કોઇપણ તુટફુટ થઇ નથી અને સમગ્ર ભાગ ચંદ્રની સપાટી ઉપર થોડાક પ્રમાણમાં આડુ થયેલું છે. આજે કહેવામાં આવ્યું હતું કે, વિક્રમે અપેક્ષાની વિરુદ્ધમાં હાર્ડ લેન્ડિંગ કરી હતી અને ઓર્બીટરના કેમેરાએ જે ફોટાઓ મોકલ્યા છે તેનાથી જાણવા મળે છે કે, તે નિર્ધારિત સ્થળની બિલકુલ નજીક પડ્યું છે. વિક્રમ તુટ્યું નથી અને તેનો સમગ્ર હિસ્સો સુરક્ષિત છે. ચંદ્રયાન-૨ સંદર્ભમાં ચંદ્ર પરથી આ સારા સમાચાર આવ્યા છે. આશા હજુ પણ દેખાઈ રહી છે. ઇસરોના પૂર્વ વડા માધવન નાયરે આ માહિતી આપતા કહ્યું હતું કે, વિક્રમથી ફરીવાર સંપર્ક સાધવાની શક્યતા હજુ પણ ૬૦થી ૭૦ ટકા રહેલી છે. તેમણે કહ્યું હતું કે, વૈજ્ઞાનિકો અને ડીઆરડીઓના પૂર્વ સંયુક્ત નિર્દેશક વીએન ઝાએ કહ્યું હતું કે, કોઇપણ દિવસે ઇસરોનો સંપર્ક ઇસરો સાથે થઇ શકે છે. જો કે, ઇસરોના અન્ય એક અધિકારીએ કહ્યું છે કે, વિક્રમના જો કોઇ એક પણ પાર્ટને નુકસાન થયું હશે તો સંપર્ક કરવાની બાબત શક્ય બનશે નહીં. જો કે, તેઓએ સ્થિતિને હજુ સારી ગણાવી છે અને કહ્યું છે કે, જ્યાં સુધી વિક્રમના એક એક સ્પેરપાર્ટ્સ યોગ્ય રહેશે નહીં ત્યાં સુધી સંપર્ક કરવાની બાબત પુરતી દેખાઈ રહી નથી.

               આશા ખુબ ઓછી છે. જો કે, વિક્રમે સોફ્ટ લેન્ડિંગ કરી છે તો યોગ્ય રીતે કામ કરી શક્યું હોત. તે વખતે જ સંપર્ક કરી શકાય છે. હાલમાં કંઇ પણ કહી શકાય તેમ નથી. જાણકાર લોકોનું કહેવું છે જો વિક્રમના એન્ટીનાની દિશા યોગ્ય હશે તો કામગીરી વધુ સરળ બની જશે. એન્ટીનાની દિશા જો ગ્રાઉન્ડ સ્ટેશન અથવા ઓર્બીટરની તરફ રહેશે તો કામ સરળ બનશે. આ પ્રકારના ઓપરેશન ખુબ જ મુશ્કેલ હોય છે પરંતુ આશા દેખાઈ રહી છે. અમે પ્રાર્થના કરી રહ્યા છે. અમારી કેટલીક મર્યાદા છે. અમને જીઓ સ્ટેશનરી ઓર્બીટમાં ગુમ થયેલા એક સ્પેશ ક્રાફ્ટને શોધવાનો અનુભવ છે પરંતુ ચંદ્ર પર આ પ્રકારના ઓપરેશન મુશ્કેલ હોય છે. આ ચંદ્ર ઉપર છે અને અમે તેને સ્પર્શ કરી શકતા નથી. વિક્રમમાં ઉર્જા ખતમ થઇ રહી છે જેની કોઇ ચિંતા નથી કારણ કે તેમાં સોલાર પેનલ લાગેલા છે અને અંદરની બેટરી પણ વધારે ઉપયોગમાં આવી નથી. ૬-૭મી સપ્ટેમ્બરના રાત્રે જ્યારે વિક્રમ લેન્ડર પૂર્વ નિર્ધારિત સમય પ્રક્રિયા મુજબ ચંદ્રની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે એકાએક ઇસરોનો સંપર્ક તુટી ગયો હતો. તે વખતે ચંદ્રની સપાટીથી વિક્રમનું અંતર ૨.૧ કિલોમીટર રહી ગયું હતું. ઇસરો વિક્રમથી ફરીવાર સંપર્ક સુધારવાના પ્રયાસમાં છે. આગામી ૧૨ દિવસ મહત્વપૂર્ણ બની શકે છે. ઇસરોની સામે પણ અનેક વિકલ્પો રહેલા છે. ચંદ્રની સપાટી ઉપર લેન્ડરની સ્થિતિને લઇને કેટલીક અડચણો ચાલી રહી છે. લેન્ડર ચંદ્રની સપાટી ઉપર તીવ્ર ગતિથી ટકરાયું છે જેથી તેને નુકસાન વધારે થયું છે. પોતાની સ્થિતિ ઉપર ઉભા રહેવાની સ્થિતિમાં નહીં હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે.

             હાર્ડલેન્ડિંગના લીધે લેન્ડરને નુકસાનને લઇને અહેવાલ આવી રહ્યા છે. ઓર્બીટર સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ૧૦૦ કિલોમીટરની ઉંચાઈ પર સ્થિત પોતાની કક્ષામાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. તે સાત વર્ષ સુધી ચંદ્રના હાઈરેજ્યુલેશન ફોટાઓ મોકલશે. ઓર્બીટરના કેમેરા હજુ સુધીના મૂન મિશનના ઉપયોગ કરવામાં આવેલા કેમેરા પૈકી સૌથી આધુનિક રોઝિલ્યુશનવાળા કેમેરા છે. ઓર્બીટર આગામી બે દિવસમાં એજ લોકેશનથી પસાર થશે જ્યાં લેન્ડરનો સંપર્ક તુટ્યો હતો. આવી સ્થિતિમાં લેન્ડરની લોકેશન અંગે માહિતી મળી છે. ઓર્બીટર જ્યારે એ લોકેશનથી પસાર થશે ત્યારે લેન્ડરના હાઈરોઝિલ્યુશનવાળા ફોટા લઇ શકે છે. આગામી ૧૨ દિવસમાં લેન્ડરની સ્થિતિને લઇને જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ મળશે.

(7:59 pm IST)