Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સમગ્ર દેશથી ઘુસણખોરોને બહાર કરાશે : અમિત શાહ

કોંગ્રેસની નીતિ વિભાજનકારી રહી છે : અમિત શાહ : દેશના જુદા જુદા ભાગોમાંથી વિદેશી ઘુસણખોરોને બહાર કરવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે : ટૂંકમાં યોજના તૈયાર

ગુવાહાટી, તા. ૯ : નોર્થઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘુસણખોરોના બહાને આજે કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ પૂર્વોત્તરમાં વિભાજન કરો અને રાજ કરોની નીતિ અપનાવી હતી પરંતુ હવે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે ફેંકાઈ છે. નોર્થઇસ્ટમાં આતંકવાદની સમસ્યાને ઉકેલવાના બદલે કોંગ્રેસ પાર્ટીએ આ સમસ્યાને ફેલાવવામાં વધુ ભૂમિકા અદા કરી હતી. શાહે કહ્યું હતું કે, આસામમાં જ નહીં બલ્કે દેશના અન્ય વિસ્તારોમાંથી પણ વિદેશી ઘૂસણખોરોને સંપૂર્ણપણે હાંકી કાઢવામાં આવશે. આના માટેની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. બેઠકને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ ઉશ્કેરણીજનક નીતિ અપનાવી હતી.

દરેક રાજ્ય ભારતના અખંડ હિસ્સા તરીકે છે. આ ભાવનાને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની બાબત જરૂરી હતી પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આ વાત ફેલાવી ન હતી. હવે નોર્થ ઇસ્ટ કોંગ્રેસથી મુક્ત બને તે જરૂરી છે.  નોર્થઇસ્ટમાં આતંકવાદની સમસ્યાને ઉકેલવા માટે કોઇ પ્રયાસ થયા ન હતા. તેમણે ઉમેર્યું હતું કે, સ્વતંત્રતા બાદથી ૨૦૧૪ સુધી કોંગ્રેસે નોર્થઇસ્ટમાં ભાષા, જાતિ, સંસ્કૃતિ, ક્ષેત્ર વિશેષના આધાર પર લડાઈ ઝગડાનું કામ કર્યું છે. પૂર્ણ નોર્થઇસ્ટ અશાંતિના ગઢ તરીકે બની ગયું હતું. અહીં વિકાસની જગ્યાએ ભ્રષ્ટાચારને મહત્વ આપવામાં આવી રહ્યું હતું. નોર્થ ઇસ્ટના રાજ્યોમાં એનઆરસીને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી ચુકી છે. નોર્થ ઇસ્ટના આઠ રાજ્યોએ નેડાની વ્યવસ્થાને સ્વીકારી છે. ૨૫ લોકસભા સીટમાંથી ૧૯ સીટો નેડાએ જીતીને મોદીને ટેકો આપ્યો છે. અમે નાની નાની સમસ્યાઓ તરફ ધ્યાન આપી રહ્યા છીએ. ત્રિપુરામાં બહુમતિ મળ્યા બાદ ત્યાની સમસ્યા ઉકેલવાનું કામ થઇ રહ્યું છે.

(7:54 pm IST)