Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

મોદી સરકારમાં સૌથી વધુ જાહેરાત કોને મળી?

અંગ્રેજી અખબારોને ૫ વર્ષમાં ૭૧૯ કરોડ : હિન્દી અખબારોને ૮૯૦ કરોડની જાહેરાતો અપાઈ

નવીદિલ્હીઃ છેલ્લા પાંચ વર્ષોમાં કેન્દ્ર સરકારે હિન્દી ભાષી રાજયોમાં પગ જમાવવા  હિન્દી અખબારોમાં જાહેરાતનો વધુ ખર્ચ કર્યો છે. અંગ્રેજી અખબારોમાં જાહેરાતો ઉપર ૭૧૯ કરોડથી વધુ ખર્ચ કરેલ જયારે હિન્દી અખબારો ઉપર ૮૯૦ કરોડથી વધુની રકમની જાહેરાતો  આપી છે.

આરટીઆઈના ખુલાસામાં જાણવા મળ્યા મુજબ હિન્દી  અખબારોમાં વર્ષ ૨૦૧૪- ૧૫ થી ૨૦૧૮- ૧૯ સુધીમાં દૈનિક જાગરણને ૧૦૦ કરોડથી વધુની જાહેરાત મળી છે. જયારે દૈનિક ભાસ્કરને ૫૬.૫૦ કરોડ, હિન્દુસ્તાનને ૫૦.૬૬ કરોડની સરકારી જાહેરાતો મળી છે. પંજાબ કેશરીને ૫૦.૬૬ કરોડ તથા અમર ઉજાલાને સરકારી જાહેરાતમાંથી ૪૭.૪ કરોડ મળેલ. જયારે નવભારત ટાઈમ્સને ૩.૭૬ કરોડ અને રાજસ્થાન પત્રિકાને ૨૭.૭૮ કરોડની લગભગ જાહેરાતો મળેલ.

આ વર્ષના બીજા ત્રિમાસીકમાં ભારતીય પાઠક સર્વેક્ષણ (આઈઆરએસ) મુજબ હિન્દી અને ક્ષેત્રીય અખબારોને  રીડર ગ્રોથના મામલે સૌથી વધુ ફાયદો મળેલ. જયારે કુલ વાંચકોની સંખ્યાની વાત આવે છે તો અંગ્રેજીમાં પહેલાત્રિમાસીકમાં ૨.૯ ટકાના અનુસંધાને ૩ટકા સાથે સામાન્ય વધારો થયો. જયારે હિન્દી વર્તમાનપત્રોએ ૧૭ ટકા ગ્રોથ મેળવ્યો છે. રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ફોર ઈન્ડિયા (આરએનઆઈ)ના હાલના રિપોર્ટમાં જણાવ્યા  મુજબ હિન્દી અને ક્ષેત્રીય ભાષાના અખબારોનો પ્રસાર નાણાકીય વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૮ની અવધીમાં અંગ્રેજી અખબારોના ૨ ટકા વૃધ્ધી દરના મુકાબલે ૬ ટકા અને ૭ ટકા ચક્રવૃધ્ધી વાર્ષિકદર (સીએજીઆર)થી વધ્યો છે.

અંગ્રેજી અખબારોમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ ૨૧૭ કરોડથી વધુની સરકારી જાહેરાત મેળવી છે. જયારે ૧૫૭ કરોડથી વધુની જાહેરાતો સાથે ધ હિન્દુસ્તાન ટાઈમ્સ બીજા અને ૪૦ કરોડના વિજ્ઞાપનો સાથે ડેકકન ક્રોનિકલ ત્રીજા સ્થાને છે. ધ હિન્દુની પાંચ વર્ષની અવધીમાં ૩૩.૬ કરોડ અને ધ ટેલીગ્રાફને ૨૦.૮ કરોડથી વધુની સરકારી જાહેરાતો મળી છે. ધ ટ્રીબ્યુનને ૧૩ કરોડ અને ડેકકન હેરાલ્ડને ૧૦.૨ કરોડની સરકારી જાહેરાતો મળેલ. ધ ઈકોનોમી ટાઈમ્સને ૮.૬ કરોડ, ઈન્ડીયન એકસપ્રેસને ૨૬ લાખ અને ફાઈનાન્શીયલ એકસપ્રેસને ૨૭ લાખની જાહેર ખબર મળેલ.

આ સમયગાળામાં ઈન્ટરનેટ જાહેરાત ઉપર સરકારી ખર્ચમાં લગભગ ચાર ગણો વધારો થયો છે. ૨૦૧૪- ૧૫ અને ૨૦૧૮- ૧૯ દરમિયાન ઈન્ટરનેટમાં જાહેરાત ઉપર ૬.૬૪ કરોડથી વધીને ૨૬.૯૫ કરોડની જાહેરાત કેન્દ્ર સરકારે આપી છે. સરકારે મે-૨૦૧૪થી માર્ચ- ૨૦૧૯ દરમિયાન કુલ ૫૭૦૦ કરોડ જાહેરાત પાછળ ખર્ચ્યા છે. વડાપ્રધાન રૂપે નરેન્દ્રભાઈના પહેલા કાર્યકાળમાં પ્રચાર ઉપર પાંચ વર્ષોમાં ૫૭૨૬ કરોડ રૂપિયા જાહેરાત માટે વાપર્યા છે.

(4:19 pm IST)