Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વાયુસેનાના પૂર્વ કર્મચારીએ આત્મહત્યા માટે મંદી અને ચિદંબરમને જવાબદાર ગણાવ્યા

 પ્રયાગરાજ,તા.૯: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક હોટલમાં આત્મહત્યાની એક આશ્યર્યજનક ઘટના પર પ્રકાશ પડ્યો છે. આર્થિક તંગીથી કંટાળીને વાયુસેનાના પૂર્વ કર્મચારી બિજન દાસે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. મૃતકે સુસાઈડ નોટમાં પોતાની આત્મહત્યા માટે મંદી અને ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યા છે. નોટમાં તેમણે દેશની આ પરિસ્થિતિ માટે પૂર્વ નાણામંત્રીને જવાબદાર ગણાવ્યા છે.

૫૫ વર્ષીય બિજન દાસ પાસેથી ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. તેમાં તેમણે દેશની મંદી માટે પી ચિદમ્બરમે કરેલા ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યું છે. તેમણે પોતાના સિન્ગર પુત્રની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી મદદ માંગી હતી. આ ઉપરાંત સુસાઈડ નોટમાં જિલ્લા પ્રશાસનને અપીલ કરી છે કે તેમના મૃતદેહને પ્રયાગરાજમાં જ દાટવાની મંજૂરી આપવામાં આવે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

બિજન દાસ ૬ સપ્ટેમ્બરના રોજ કોઈ કામથી પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેઓ ત્યાંના ખુલ્દાબાદ વિસ્તારમાં આવેલી પ્રયાગ હોટલમાં રોકાયા હતા. તેઓ પ્રાયગ હોટલના રૂમ નંબર ૨૧૪માં રોકાયા હતા. સવારે જ્યારે તેઓ પોતાના રૂમમાંથી બહાર ન આવ્યા ત્યારે હોટલ સ્ટાફને લાગ્યું કે તેઓ સૂતા હશે. ત્યારબાદ વેઈટરે સાંજે હોટલ મેનેજરને આ અંગે જણાવ્યું ત્યારે શંકા પડતા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થઈ.

(4:17 pm IST)