Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ઓટો સેકટરને પડયા પર પાટુઃ સતત ૧૦માં મહિને કારના વેચાણમાં ધરખમ ઘટાડો નોંધાયોઃ કાર, ટુવ્હીલર, ભારે વાહનોનુ વેચાણ ઘટયું

ઓટો સેકટરમાં ૨૦ વર્ષની સૌથી મોટી મહાભયાનક મંદી

નબળા વેચાણને કારણે ઓટો સેકટરના ગ્રોથમાં એકધારો ઘટાડોઃ તમામ કંપનીઓની કારના વેચાણમાં ઘટાડોઃ અનેક કંપનીઓએ કેટલાક દિવસ પ્રોડકશન પણ અટકાવ્યું

નવી દિલ્હી, તા. ૯ :. દેશમાં ઓટો સેકટરની મુશ્કેલી વધુ વકરતી જાય છે. દેશમાં સતત ૧૦માં મહિને ઓગષ્ટમાં યાત્રી વાહનોનું વેચાણ ઘટયુ છે. વાહન નિર્માતાઓના સંગઠનના જણાવ્યા પ્રમાણે ઓગષ્ટમાં યાત્રી વાહનોનું વેચાણ ૧ વર્ષ પહેલા આ મહિનાની સરખામણીએ ૩૧.૫૭ ટકા ઘટીને ૧૯૬૫૨૪ વાહનોનું રહી ગયુ છે. ૧ વર્ષ પહેલા ઓગષ્ટમાં ૨૮૭૧૯૮ વાહનોનું વેચાણ થયુ હતું. છેલ્લા બે દાયકામાં વેચાણમા આટલો ભયાનક ઘટાડો પહેલીવાર જોવા મળ્યો છે.

ભારતીય ઓટોમોબાઈલ મેન્યુ. સોસાયટી (સીયામ)ના જણાવ્યા પ્રમાણે ઓગષ્ટ ૨૦૧૯માં ઘરેલુ બજારમાં કારોનું વેચાણ ૪૧.૦૯ ટકા ઘટીને ૧૧૫૯૫૭ કાર રહ્યુ છે. જ્યારે ૧ વર્ષ પહેલા ઓગષ્ટમાં ૧૯૬૮૪૭ કારનું વેચાણ થયુ હતું.

આ દરમિયાન ટુવ્હીલરનું વેચાણ ૨૨.૨૪ ટકા ઘટીને ૧૫૧૪૧૯૬ યુનિટ રહી ગયુ છે જ્યારે ૧ વર્ષ પહેલા આ મહિનામા દેશમાં ૧૯૪૭૩૦૪ ટુવ્હીલરનુ વેચાણ થયુ હતુ. તેમાં મોટર સાયકલનું વેચાણ ૨૨.૩૩ ટકા ઘટીને ૯૩૭૪૮૬ મોટર સાયકલ રહ્યુ છે. જ્યારે ૧ વર્ષ પહેલા આ મહિનામાં ૧૨૦૭૦૦૫ મોટર સાયકલનુ વેચાણ થયુ હતું.

આ એસોસીએશનના જણાવ્યા પ્રમાણે ઓગષ્ટમાં કોમર્શિયલ વાહનોનું વેચાણ ૩૮.૭૧ ટકા ઘટીને ૫૧૮૯૭ રહ્યુ છે. કુલ મળીને જો બધા પ્રકારના વાહનોની વાત કરવામાં આવે તો ઓગષ્ટ ૨૦૧૯માં કુલ વાહનોનું વેચાણ ૨૩.૫૫ ટકા ઘટીને ૧૮૨૧૪૯૦ વાહનોનું રહ્યુ છે. જ્યારે ૧ વર્ષ પહેલા આ મહિનામાં કુલ ૨૩૮૨૪૩૬ વાહનોનું વેચાણ થયુ હતું.

ઓગષ્ટ મહિનામાં ભારે વાહનોનું વેચાણ પણ ૫૪.૩ ટકા ઘટી ૧૫૫૭૩ થયુ હતું. આ દરમિયાન અશોક લેલેન્ડે ઓછી ડીમાન્ડ જોતા ૫ પ્લાન્ટમાં નો વર્ક ડેનુ એલાન કર્યુ છે. ગયા સપ્તાહે મારૂતિએ પણ બે પ્લાન્ટમાં બે દિવસ પ્રોડકશન બંધ કર્યુ હતું. મારૂતિનુ વેચાણ ઓગષ્ટમાં ૩૬ ટકા ઘટયુ છે તો હ્યુન્ડાઈનું ૩૬ ટકા ઘટયુ છે. આ દરમિયાન ટાટા મોટર્સનુ વેચાણ પણ અડધુ થયુ છે. આશા છે કે આગામી તહેવારોનું સીઝનમાં ડિમાન્ડ વધવાથી વેચાણ વધશે.

(3:45 pm IST)