Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

હિજબુલ મુજાહિદીનો ફરમાન

કાશ્મીર બંધના હુકમને નહીં માનનાર મોત માટે તૈયાર રહે

આતંકી સંગઠને ફરમાન જારી કરી સમગ્ર રાજયને બંધ કરવા ધમકી આપી

શ્રીનગર, તા.૯: જમ્મુ-કાશ્મીરના ખાસ દરજ્જાને હટાવ્યા પછી સમગ્ર રાજય કેન્દ્ર સરકારના અંકુશ હેઠળ હતું. જો કે સમય વિતતા હવે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિઓ સામાન્ય બનતી જોવા મળી રહી છે. પરંતુ આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીને ફરી તેમાં આગ લગાવવાનું કૃત્ય કર્યું છે. આતંકી સંગઠને તાજેતરમાં જ રાજયના દુકાનદારો, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ તથા પેટ્રોલ પમ્પોને બંધ રાખવાનું એલાન કર્યું છે.  

હિજબુલના શોપિયા જીલ્લા કમાન્ડર નાવેદ ઉર્ફે બાબર આઝમની સહીવાળા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, ફરમાન મુજબ બંધ નહી કરનારે આઇઇડી વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવશે. આતંકી સંગઠને ધમકી આપી હતી કે, આજપછી તમામ શહેર અને ગામોની તમામ દુકાનો સંપૂર્ણ રીતે બંધ રહેવી જોઇએ. જે લોકો આ મુજબ નહી કરે તેમની વિરુદ્ઘ સીધી જ એકશન લેવામાં આવશે અને તેઓ મોત માટે તૈયાર રહે. આતંકી સંગઠને તેના ફરમાનમાં પેટ્રોલ પમ્પોને ચેતવણી આપી હતી. ફરમાનમાં જણાવાયું હતું કે સ્વાસ્થ વિભાગ સિવાય તમામ કાર્યાલય સંપૂર્ણ રીતે બંધ રહેવા જોઇએ, જે કોઇ કર્મચારી કામ કરતા દેખાશે તેને આઇઇડીથી ઉડાવી દેવામાં આવશે. આતંકી સંગઠને શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવા માટે ધમકી આપી છે.

આતંકી સંગઠનની ધમકીથી રાજયમાં ફરીવાર ભયનું વાતાવરણ ફેલાયું છે. બીજી તરફ સરકારે આ પડકારોને પહોંચી વળવાની તૈયારી બતાવી છે અને સામાન્ય લોકોને તેમના કામમાં વ્યસ્ત રહેવા અને સુરક્ષાની ખાતરી આપી છે.

(10:12 am IST)