Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ગવર્નર તરીકેનો કાર્યકાળ પૂરોઃ હવ વજુભાઈવાળા શું કરશે?

કારડીયા રાજપૂત સમાજ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ખૂબ મોટું રાજકીય વર્ચસ્વ ધરાવે છે

નવી દિલ્હી, તા.૯: ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી અને હાલ કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાનો રાજયપાલ તરીકે નો કાર્યકાળ પૂર્ણ થયો છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ગુજરાતના કારડીયા રાજપૂત સમાજના આ દિગજ નેતાને આગામી સમય માં શું જવાબદારી આપવામાં આવશે તે માટે કારડીયા રાજપૂત સમાજ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છે. આમ પણ ભાજપમાં વજુભાઇ વાળા સિવાઈ કોઈ બીજા કારડીયા રાજપૂત સમાજના મોટા નેતા જોવા મળ્યા નથી.

વર્ષે ૨૦૦૧માં નરેન્દ્રભાઇ મોદી માટે પોતાની ચાલુ વિધાનસભા બેઠક ખાલી કરી ઈલેકટોરલ પોલિટિકસ ચૂંટણી લડીને રાજનીતિમાં પ્રવેશમાં એન્ટ્રી માટે પગથિયું બનનાર કારડીયા રાજપૂત સમાજના દિગજ નેતા વજુભાઇ વાળનો કર્ણાટકના રાજપાલ તરીકેનો કાર્યકાળ ૩૧ ઓગષ્ટના રોજ સમાપ્ત થયો છે. જોકે આ મામલે હજુ કોઈ સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે હવે કારડીયા સમાજના આ દિગજ નેતાને હવે શું જવાબદારી આપવામાં આવશે તે માટે સમાજમાં ખૂબ આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે.

ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો કારડીયા રાજપૂત સમાજ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ખૂબ મોટું રાજકીય વર્ચસ્વ ધરાવે છે. તેમ છતાં પ્રદેશ ભાજપ પાસે નિવૃત થયેલ વજુભાઇ વાળા સિવાય કારડીયા રાજપૂત સમાજનો કોઈ બીજો મોટો ચહેરો જોવા મળતો નથી. વર્તમાન સમયમાં જશાભાઈ બારડ અને કુશળ સિંહ પઢેરિયા પાર્ટીમાં સક્રિય છે. પરંતુ એ બન્નેને પણ કોઈ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું નથી. તેવા સમયમાં ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વજુભાઇ વાળાને શુ ભાજપ નિવૃત્તિઆપશે કે હજુ કોઈ જવાબદારી આપશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

વજુભાઈ વાળા સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ માંથી આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના કાર્યકર એવા વજુભાઇ વાળા ૧૯૭૦ ના દાયકામાં જનસંદ્ય સાથે જોડાઈ પોતાની રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી હતી. ૧૯૮૦માં રાજકોટ મહાનગર પાલિકાનું મેયર પદ મેળવ્યું હતું. આ જ સમય ગાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ ત્યારે ટ્રેન મારફતે રાજકોટ શહેરને પીવાનું પાણી આપવામાં તે સફળ રહ્યા હતા. ત્યારથી તેઓ પ્રશંસકોમાં 'પાણીવાળા નેતા' તરીકે પ્રસિદ્ઘ થયા હતા. વજુભાઈ વાળાના ભાષણમાં રમૂજ પુષ્કળ પ્રમાણમાં રહેતી, જે ભીડને જકડી રાખે છે. આથી ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમની માગ રહેતી. તો સાથે જ પાર્ટીના નાનામાં નાના કાર્યકરના દરેક નાનામોટા પ્રસંગમાં હાજરી આપે છે.

વજુભાઈ વાળાને પણ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની જેમ પાર્ટીના કાર્યકર જ નહીં, તેના પરિવારજનોનાં નામ પણ મોઢે હોય છે. આ ખાસિયત વજુભાઈને અન્ય રાજનેતાઓથી અલગ પાડે છે.૧૯૮૫માં રાજકોટ પશ્યિમની બેઠક ચૂંટણી જીતી વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. તો ૧૯૯૬માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ની પણ જવાબદારી ઉઠાવી હતી. આ તે જ સમય હતો જયારે સુરેશ મહેતા સરકારને વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો હતો. રાજકોટ પશ્યિમ બેઠકને ભાજપનો 'અજય ગઢ' બનાવી વર્ષે ૨૦૦૧માં નરેન્દ્રભાઇ મોદી ને પ્રથમ વખત વિધાનસભામાં મોકલ્યા હતા. ૨૦૦૫-૦૬માં વજુભાઇ વાળા એ બીજી વખત પ્રદેશ ભાજપનું પ્રમુખ પદ મેળવ્યું હતું.

વજુભાઇ વાળા ૮ વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને ૧૮ વાર ગુજરાતનું બજેટ રજૂ હતું. વર્ષે૧૯૯૫થી ૨૦૧૨ સુધી તેઓ ભાજપની સરકારમાં નાણામંત્રી પદે રહ્યા હતા. જોકે ૨૦૧૨ના વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ચૂંટાઈ તો આવ્યાં પરંતુ એ સમયે નરેન્દ્ર મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને વજુભાઈ વાળા ને ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ કર્ણાટકના રાજયપાલ પદે નિયુકિત કરવામાં આવ્યા હતા.

વજુભાઇ વાળનું એક જમા પાસું એ છે કે તેમણે પક્ષ વિરુદ્ઘ કયારેય એક હરફ ઉચ્ચાર્યો નથી કે જાહેરમાં નારાજગી વ્યકત કરી નથી. વજુભાઈ વાળા જનસંઘ અને ભાજપના સ્થાપનાકાળના નેતાઓની કેડરના છે. એવું કહેવામાં આવતું કે ઉત્તર ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેશુભાઈ પટેલ, પ્રવીણભાઈ મણિયાર અને વજુભાઈ, દક્ષિણ ગુજરાતમાં ફકીરભાઈ ચૌહાણ અને કાશીરામ રાણા, મધ્ય ગુજરાતમાં મકરંદભાઈ દેસાઈ તથા અમદાવાદમાં નાથાલાલ ઝઘડાએ સંઘ અને પાછળથી ભાજપનો વ્યાપ વધારવા તનતોડ મહેનત કરી હતી. આ તમામ લોકો એ ગુજરાતમાં જનસંઘના બીજનું વાવેતર કર્યું. આજે આ બીજ ભાજપ સ્વરૂપે વિશાળ વટવૃક્ષ બની ગયું છે.

ભાજપની પરંપરા રહી છે કે જયારે કોઈ પણ નેતાને રાજયપાલ બનાવમાં આવે તો તેમનો કાર્યકાળ એ પાંચ વર્ષે પૂરતો રાખે છે. તેમને ફરીથી રિપીટ કરવામાં આવતા નથી. ત્યારે હવે વજુભાઇ વાળા નો રાજયપાલ તરીકેનો કાર્યકાળ લંબાવમાં આવશે કે પછી તેમને બીજી કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે તે ચર્ચા એ જોર પકડયું છે.

(10:00 am IST)
  • જામનગરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો : જામનગર વાસીઓમાં ખુશીનો માહોલ access_time 8:17 pm IST

  • " ચંદ્રયાન 2 " અંતરિક્ષ જગત માટે ગૌરવની બાબત છે : પાકિસ્તાનના સૌપ્રથમ એસ્ટ્રોનેટ મહિલા નમીરા સલીમે ખેલદિલી પૂર્વક ભારતના સાહસને બિરદાવ્યું access_time 6:43 pm IST

  • પેપ્સી અને કોકાકોલા જેવી કંપનીઓને રામવિલાસ પાસવાનનું અલ્ટીમેટમ : ત્રણ દિવસમાં બોટલબંધ પાણીનો વિકલ્પ શોધો પાસવાને ત્રણ દિવસમાં પેકેજીંગ સામગ્રી અંગે સૂચન આપવા નિર્દેશ કર્યો : પાસવાન સ્વાસ્થ્ય અને પરીવારના પર પ્લાસ્ટિકના પ્રભાવને કારણે પેકેજીંગમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધના પક્ષધર છે access_time 1:10 am IST