Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

દેશભરમાં હવે ઇસરો સ્પ્રીટ જોઈ શકાય છે : નરેન્દ્ર મોદી

હરિયાણામાં ચૂંટણી પ્રચાર માટે રણશિંગુ ફુંક્યું : માત્ર ૧૦૦ સેકન્ડની અંદર દેશના લોકો એક સાથે જોડાઈ ચુક્યા છે : સફળતા, નિષ્ફળતાના અર્થ બદલાઈ ગયા છે

રોહતક, તા. ૮ : હરિયાણા વિધાનસભા ચૂંટણીથી પહેલા કોંગ્રેસના ગઢ ગણાતા રોહતકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની સરકારની નવી અવધિના ૧૦૦ દિવસની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે જુદા જુદા મુદ્દા ઉપર વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, હવે દેશમાં ઇસરો સ્પ્રીટ પ્રવર્તી રહી છે. ઇસરો સ્પ્રીટની દેશવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે. ચંદ્રયાન-૨નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ૭મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે ૧.૫૦ મિનિટે સમગ્ર દેશના લોકો ટીવી ઉપર નજર લગાવીને બેઠા હતા. લોકો ચંદ્રયાનના લેન્ડ કરવાને લઇને ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. સાતમી સપ્ટેમ્બરની રાત્રે ૧૦૦ સેકન્ડમાં જ તેઓએ એક નવી ચીજ નિહાળી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને ૧૦૦ સેકન્ડની અંદર જ જગાવી દેવામાં સફળતા મેળવી હતી. સમગ્ર દેશના લોકો એક સાથે જોડાઈ ગયા હતા. હવે ભારતમાં ઇસરો સ્પ્રીટ જોવા મળે છે. હવે દેશ નકારાત્મકતાને સ્વીકારવા માટે કોઇ કિંમતે તૈયાર નથી. સફળતા અને નિષ્ફળતાના અર્થ ૧૦૦ સેકન્ડમાં બદલાઈ ગયા છે. સવા સો કરોડ દેશવાસીઓના મૂડે તેમને વધારે તાકાત આપી છે. પોતાની સરકારની સિદ્ધિઓની વાત કરતા કહ્યું હતું કે, આતંકવાદ અને મુસ્લિમ બહેનો માટે ૧૦૦ દિવસમાં કાનૂન બનાવવામાં આવ્યા છે. એનડીએ સરકારના ૧૦૦ દિવસ વિકાસ અને પરિવર્તનના રહ્યા છે. ૧૦૦ દિવસ નિર્ણય, નિષ્ઠા અને સ્વચ્છ ઇરાદાના રહ્યા છે. છેલ્લા ૧૦૦ દિવસમાં દુનિયાના લોકો જોઈ ચુક્યા છે કે, દશકો જુના પડકાર હોય કે પછી આજના પડકાર હોય ભારત હવે દરેક પડકારને સીધીરીતે પડકાર ફેંકે છે અને જમ્મુ કાશ્મીર અને લડાખના લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં લાગી ગયા છીએ. હરિયાણામાં સાત લાખ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, આ વખતે સંસદના સત્રમાં જેટલા બિલ પાસ થયા છે. જેટલું કામ થયું છે તેટલું કામ સંસદના કોઇપણ સત્રમાં છેલ્લા છ દશકમાં થયું નથી. મોડી રાત સુધી બેસીને સાંસદો દ્વારા નવા કાયદા પર ચર્ચા કરવામાં આવી છે.

અભૂતપૂર્વ વિશ્વાસની તાકાત ઉપર જ કૃષિથી લઇને દેશની સુરક્ષા સાથે જોડાયેલા મોટા મોટા નિર્ણયો સરકાર કરી રહી છે. ખેડૂતોના હિતમાં પણ આવા અનેક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે જેના આધાર પર ૨૦૨૨ સુધી આવક બે ગણી કરી શકાશે. ખેડૂતોના ખર્ચને ઘટાડવા અને આવકને વધારવા માટે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાકના યોગ્ય ભાવ ખેડૂતોને મળે અને પાકની બરબાદી ન થાય તે દિશામાં પહેલ થઇ રહી છે. મોદીએ હરિયાણાની પ્રજાને લોકસભાની ચૂંટણી અપાવેલી જીતની યાદ અપાવી હતી. આજે હરિયાણાના લોકોના જીવનને મનોહરલાલ ખટ્ટરે પોતાના પ્રયાસથી મનોહર બનાવી દીધા છે. નમો નમો કહેનાર લોકો હવે નમોહર કહેવા લાગી ગયા છે. નમોહર અને મનોહર એકમાં જ છે. છેલ્લા પાંચ વર્ષમાં હરિયાણાને ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે ડબલ એન્જિનના લાભ આપ્યા છે. હરિયાણામાં ૨૫૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે.

ચૂંટણી પરિણામ જોઈ ઘણા લોકો સ્તબ્ધ થયા

રોહતકને ૫૦૦ કરોડની યોજનાઓ

રોહતક, તા. ૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના રોહતકમાં ચૂંટણી પ્રચાર કરતા કહ્યું હતું કે, પહેલાની સરખામણીમાં સ્થિતિ હવે બદલાઈ ચુકી છે. ચૂંટણી પરિણામ જોઇને કેટલાક લોકો તો સ્તબ્ધ થઇ ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં પરિવારવાદ પર લોકો પ્રહાર કરી રહ્યા છે. ભ્રષ્ટાચારનો ખાત્મો થઇ ગયો છે. કોંગ્રેસના નામનો ઉલ્લેખ કર્યા વગર મોદીએ કહ્યું હતું કે, પહેલા દિલ્હીમાં વડાપ્રધાનની જય જયકાર કરવા માટે લોકોને ટ્રકમાં ભરીને દિલ્હી લઇ જનારને હરિયાણાના મુખ્યમંત્રી બનાવવામાં આવતા હતા. હવે જનતાએ આ પ્રકારની પાર્ટી અને લોકોને યોગ્ય જવાબ આપી ચુકી છે. હવે લોકોના મન બદલાઇ ચુક્યા છે. પહેલા વડાપ્રધાનની આવાસની બહાર ઢોલ નગારા વગાડવામાં આવતા હતા અને જય જયકાર કરવામાં આવતી હતી. હવે આ સ્થિતિ રહી નથી. વડાપ્રધાને હરિયાણાને ચૂંટણી માહોલ આવતાની સાથે જ ભેટ સોગાદોની શરૂઆત કરી દીધી છે. હરિયાણાને અનેક ભેંટ આજે આપવામાં આવી હતી. રોહતક માટે ૫૦૦ કરોડની યોજનાઓ આમા સામેલ છે.

(12:00 am IST)