Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વરિષ્ઠ વકીલ અને સાંસદ જેઠમલાણીનું નિધન થયું

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાને દુખ વ્યક્ત કર્યું : કોંગી પ્રમુખ સોનિયા ગાંધીએ દુખ વ્યક્ત કર્યું : જેઠમલાણી છેલ્લા બે અઠવાડિયાથી બિમાર હતા : ૯૫ વર્ષે અવસાન

નવીદિલ્હી,તા.૮ : વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ રામ જેઠમલાણીનું આજે સવારે અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ દિગ્ગજોએ રામ જેઠમલાણીના અવસાન ઉપર દુખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. જેઠમલાણી છેલ્લા બે સપ્તાહથી બિમાર હતા. તેઓ ૯૫ વર્ષના હતા. રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કરીને કહ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીયમંત્રી અને વરિષ્ઠ વકીલ જેઠમલાણીના નિધનથી તેઓ દુખી છે. સામાજિક મુદ્દાઓ ઉપર પોતાના વિશેષ અંદાજમાં વિચાર રજૂ કરવા માટે તેઓ જાણિતા હતા. દેશે એક પ્રતિષ્ઠિત કાયદા વિદ્વાન ગુમાવી દીધા છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ આવી જ પ્રતિક્રિયા આપી છે. મોદીએ સ્વર્ગસ્થ નેતાના આવાસ ઉપર જઇને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ કહ્યું હતું કે, રામ જેઠમલાણીના રુપમાં દેશે એક શાનદાર વકીલ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુમાવી દીધા છે. તેમના યોગદાનથી કોર્ટ અને સંસદ બંનેને ખુબ ફાયદો થયો છે. જેઠમલાણીએ ક્યારે કોઇ વિષય પર પોતાની ભાવનાઓને રજૂ કરવામાં ખચકાટની લાગણી વ્યક્ત કરી ન હતી. મોદીએ કહ્યું છે કે, તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ પોતાના મનની વાત કરતા હતા. કોઇપણ ભય વગર વાત કરતા હતા. ઇમરજન્સીના ગાળા દરમિયાન પણ જનતા માટે લડાઈ લડી હતી. જરૂરિયાતવાળા લોકોની સાથે ઉભા રહેવાની પણ તેમની એક કલા હતા. અનેક પ્રસંગોએ તેમની સાથે વાત કરવાની તક મળી હતી. દુખની આ ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને મોદીએ કહ્યું હતું કે, તેઓ આજે અમારી વચ્ચે નથી પરંતુ તેમના કામ હંમેશા યાદ રહેશે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાજનાથસિંહે પ્રતિક્રિયા આપી છે.

જેઠમલાણીના ૨૦ મોટા કેસો

ઇન્દિરા, રાજીવના હત્યારાથી અફઝલ સુધી કેસો

નવી દિલ્હી, તા.૮ : વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ રામ જેઠમલાણીનું આજે સવારે અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ દિગ્ગજોએ રામ જેઠમલાણીના અવસાન ઉપર દુખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. રામ જેઠમલાણીએ પોતાની કેરિયરમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના હત્યારાથી લઇને અફઝલ ગુરુ સુધીના કેસો હાથમાં લીધા હતા. રામ જેઠ મલાણીના ૨૦ મોટા કેસોની વાત કરવામાં આવે તો કેટલાક કેસો ખુબ ચર્ચાવાળા રહ્યા છે. રામ જેઠમલાણી દેશના સૌથી મોટા અને મોંઘા વકીલ તરીકે હતા. તેમના દબદબાનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે તેઓએ એક હાજરીમાં એક કરોડથી પણ વધુની રકમ લીધી હતી. અનેક કુખ્યાત કેસો પણ લડ્યા હતા જેમાં આ લોકોના કેસ લડવા માટે કોઇપણ લોકો આગળ આવ્યા ન હતા. જેઠમલાણીના ૨૦ મોટા કેસો નિચે મુજબ છે.

*        રામ જેઠમલાણી વકીલ તરીકે ૧૯૫૯માં નાણાવટી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર કેસમાં લોકપ્રિય થયા હતા. આ કેસ યશવંત વિષ્ણુ ચંદ્રચુડની સાથે લડ્યો હતો. ચંદ્રચુડ દેશના ચીફ જસ્ટિસ પણ બન્યા હતા

*        પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાના આરોપી સતવંતસિંહ અને કેહરસિંહના બચાવ માટે એક પણ વકીલ આગળ ન આવ્યા ત્યારે જેઠમલાણીએ તેમના કેસ લડ્યા હતા

*        રાજીવ ગાંધી હત્યા કેસમાં આરોપી શ્રીહરન જેને મુરુગનના નામથી ઓળખવામાં આવે છે તેનો કેસ પણ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં લડ્યો હતો. ૨૦૧૫માં આપવામાં આવેલી તેમની એવી દલીલને લઇને હોબાળો થયો હતો કે, રાજીવ ગાંધીની હત્યા ભારતની સામે અપરાધ નથી

*        સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલામાં વર્તમાન કેન્દ્રીયમંત્રી અમિત શાહ તરફથી કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા

*        જેઠમલાણીએ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જયલલિતાની આવકથી વધુ સંપત્તિનો કેસ પણ લડ્યો હતો

*        જેઠમલાણીએ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિની પુત્રી અને સાંસદ કાનીમોઝીનો કેસ પણ લડ્યો હતો

*        વકીલાતની શરૂઆતમાં સીપીઆઈના ધારાસભ્ય કૃષ્ણ દેસાઈની હત્યાના મામલામાં શિવસેના તરફથી રજૂઆત કરી હતી

*        કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા માટે ગેરકાયદે ખાણ કેસમાં ઉપસ્થિત રહ્યા

*        ચારા કૌભાંડના મામલામાં પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવ માટે ૨૦૧૩માં લડ્યા હતા

*        જેઠમલાણીએ હવાલા ડાયરી કાંડમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી તરફથી લડ્યા હતા

*        જેઠમલાણી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી નાણામંત્રી જેટલીની સામે કેસ લડી ચુક્યા હતા. આ ગાળા દરમિયાન ફીસને લઇને કેજરીવાલ તરફથી કેટલાક આક્ષેપ થયા હતા

*        ૨૦૧૧માં રામલીલા મેદાનમાં ધરણા કરી રહેલા બાબા રામદેવ ઉપર સેનાના પ્રયોગ માટે બાબા માટે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા

*        ૨૦૦૧માં સંસદ પર હુમલાના અપરાધી મોહમ્મદ અફઝલ ગુરુનો કેસ પણ લડ્યો હતો જેમાં અફઝલની ફાંસીને કારાવાસમાં ફેરાવવાની માંગ કરી હતી

*        ૧૯૬૦ના દશકમાં મુંબઈના ડોન હાઝી મસ્તાનના સ્મગલિંગ સાથે જોડાયેલા કેસોમાં રામજેઠમલાણી વકીલ હતા

*        જેસિકાલાલ હત્યાકેસમાં મનુ શર્મા તરફથી કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા

*        ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં આરોપી માલિકો અંસલ બંધુઓ માટે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા

*        ટુજી કૌભાંડમાં યુનિટેક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજય ચંદ્રા તરફથી કેસ લડ્યા હતા

*        ૨૦૧૩માં સગીરા ઉપર બળાત્કારના આરોપી આસારામ તરફથી કોર્ટમાં રજૂ થયા હતા

*        મોટા કારોબારીઓ પૈકી એક સહારા વડા સુબ્રતો રોય તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલ રહ્યા

(12:00 am IST)