Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

યુદ્ધવિરામનો ભંગ કરી ફરી પાકિસ્તાન દ્વારા ગોળીબાર

ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાયો : ૩૭૦ની નાબૂદી બાદ પાકિસ્તાન દ્વારા ૨૨૨થી વધુ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને સરહદે ભીષણ ગોળીબાર કરાયો

શ્રીનગર,તા.૮ : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા નાપાક હરકતોનો દોર જારી રાખવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુંદરબાની વિસ્તારમાં પાકિસ્તાને આજે સવારે યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો જેનો જવાબ ભારતીય સેનાએ જોરદારરીતે આપ્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા ટૂંકા ગાળાની અંદર જ અનેક વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા સપ્ટેમ્બર મહિનામાં જ અનેક વખત ગોળીબાર કરવામાં આવી ચુક્યો છે. બંને દેશો વચ્ચે ભીષણ ગોળીબારના કારણે તંગદિલી રહી હતી. તે પહેલા બીજી સપ્ટેમ્બરના દિવસે પાકિસ્તાને પૂંચમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો જેમાં એક જવાન શહીદ થયા હતા. ખીણમાં ઘુસણખોરી કરવા તથા શાંતિ ભંગ કરવાના પ્રયાસો પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા બીજી સપ્ટેમ્બરના દિવસે કરાયેલા ગોળીબારમાં ૨૩ વર્ષીય ગ્રેનેડિયર હેમરાજ શહીદ થયા હતા. તેઓ રાજસ્થાનન રુપનગઢ તાલુકાના નિવાસી હતા. તેમને ૨૦૧૭માં સેનામાં સામેલ થયા બાદ ઉલ્લેખનીય સેવા આપી હતી. શનિવારના દિવસે પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા શ્રેણીબદ્ધ કોમ્યુનિકેશન ટાવરો ઉભા કરવામાં આવી ચુક્યા છે અને આના ભાગરુપે તેના દ્વારા નાપાક હરકતો કરવામાં આવી રહી છે. કાશ્મીરી લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ પાકિસ્તાન તરફથી અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ૩૦મી ઓગસ્ટના દિવસે સરકાર દ્વારા ડેટા જારી કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ પાંચમી ઓગસ્ટ બાદથી પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ૨૨૨ વખત ભંગ કરવામાં આવી ચુક્યો છે. આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ ૨૦૧૯માં કુલ ૧૯૦૦ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. કલમની નાબૂદીથી લઇને ૩૦મી ઓગસ્ટ સુધી માત્ર ૨૫ દિવસના ગાળામાં જ પાકિસ્તાન તરફથી ૨૨૨ વખતયુદ્ધવિરામનો ભંગ કરાયો હતો.

 

આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરીને આતંકવાદીઓને અવિરતપણે દેશમાં ઘુસાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. આજે યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરાયા બાદ બંને દેશો વચ્ચે કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. આ ગોળીબારમાં કોઇપણ પક્ષે ખુવારીને લઇને હજુ સુધી આંકડા જારી કરાયા નથી.

(12:00 am IST)