Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કર્ણાટકના મુખ્યમંત્રી ફરી બદલાશે? કર્ણાટકમાં ફરીથી નેતૃત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું !

BJP હાઈકમાન્ડ રાજ્યના અધ્યક્ષ નલીન કુમાર કતીલની કામગીરીથી નાખુશ : BJP બોમ્મઈના સ્થાને અન્ય કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવી શકે-સૂત્રો

નવી દિલ્હી, તા. 09 : કર્ણાટકમાં 2023ની સૂચિત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. જે વચ્ચે કર્ણાટકમાં એક વખત ફરીથી નેતૃત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું છે. 2023થી ચૂંટણી પહેલા BJP સરકારમાં નેતૃત્વ પરિવર્તન ઉપર વિચાર કરી શકે છે.

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, 15 ઓગસ્ટ બાદ BJP મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના સ્થાને અન્ય કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવી શકે છે. BJP હાઈકમાન્ડ કર્ણાટક રાજ્યના અધ્યક્ષ નલીન કુમાર કતીલની કામગીરીથી નાખુશ છે. કતીલ પોતાના ગૃહ જિલ્લા દક્ષિણ કન્નડમાં અનેક વિવાદોને ડામવામાં નિષ્ફળ રહ્યા છે. તાજેતરમાં દક્ષિણ કન્નડમાં કોમી તણાવના કારણે વિવાદ સર્જાયો હતો.

ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેશ ગૌડાએ સંકેત આપ્યો છે કે, રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, હાઈકમાન્ડ ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલી શકે છે અને બીજી ઘણી બધી બાબતોમાં પરિવર્તન કરી શકે છે. જો કે તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં નેતૃતવ પરિવર્તન થશે કે નહીં તે અંગે તેમની પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. જો પાર્ટી તરફથી આ અંગે કોઈનિર્ણય લેવામાં આવશે તો રાજ્યમાં તેનું સ્વાગત કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્બાઈ સારૂ કામ કરી રહ્યા છે. તેમના એક વર્ષના કાર્યકાળમાં અનેક સારા કાર્યો થયા છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, 'અમે પાર્ટીના નિર્ણથી બંધાયેલા છીએ.'

તુમાકુર ગ્રામીણ મત વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય સુરેશ ગૌડાએ જણાવ્યું હતું કે, BJPમાં ચૂંટણીના 6, 8 અને 10 મહિના પહેલા પણ મુખ્યમંત્રીને બદલવામાં આવ્યા હતા. જો કે આ બાબત કેન્દ્રીય નેતૃતવ ઉપર છોડી દેવામાં આવી છે તેનો નિર્ણય અમે લઈ શકીએ નહીં. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નેતૃત્વ પરિવર્તનની અટકળો લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત બાદ આ અટકળોએ વધુ જોર પકડ્યું છે. ગયા સપ્તાહે અમિત શાહે બસવરાજ બોમ્બાઈ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને રાજ્યના વરિષ્ઠ BJP નેતાઓની મુલાકાલ લીધી હતી. કહેવાય છે કે, અમિત શાહે તાજેતરની ઘટનાઓ, સંગઠનાત્મક બાબતો, સરકાર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો અને ચૂંટણીની તૈયારીઓ વિશે પણ ચર્ચા કરી હતી.

(8:08 pm IST)