Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આખરે મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ થયું : ભાજપ અને શિંદે જૂથમાંથી 9-9 મંત્રીઓને આપી જગ્યા

નવી સરકાર બન્યાના 40 દિવસ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ : તમામ સભ્યોએ રાજભવન ખાતે શપથ લીધી

મુંબઈ તા.09 : મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદેના શપથ ગ્રહણના 40 દિવસ પછી આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. મંત્રીમંડળ વિસ્તરણમાં 50-50 ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. બંને જૂથમાંથી 9-9 ધારાસભ્યો મંત્રી બન્યા છે. સૌથી પહેલાં ભાજપના રાધાકૃષ્ણ વિખે પાટિલે મંત્રી પદના શપથ લીધા. ત્યારપછી ભાજપના સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત રાધા પાટિલ, વિજય કુમાર ગાવિત અને ગિરીશ મહાજને શપથ લીધા છે.

એકનાથ શિંદેના મુખ્યમંત્રી પદ પર અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસના નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણના 40 દિવસ બાદ મંત્રીમંડળનો વિસ્તાર થયો છે. શિંદેએ 30 જૂનના રોજ મંત્રીપદના શપથ લીધા હતા. જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો શિંદેના નેતૃત્વમાં પાર્ટી સાથે બળવો કરીને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ અઘાડી સરકાર જૂનમાં પડી ગઈ હતી.

મહારાષ્ટ્રમાં ઉલટફેર બાદ 30 જૂને એકનાથ શિંદેએ સીએમ પદના અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. જો કે, ત્યાર બાદ આ પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ છે. સીએમ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજીત પવાર પણ રાજભવન પહોંચ્યા છે.
 

(8:07 pm IST)