Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગૃહલક્ષ્મીના નામે ગૃહ લોન લેવામાં ગુજરાતી રાજ્યની મહિલાઓ મોખરે

હોમલોન લેનારી મહિલાઓની સંખ્ યામાં ઝડપી વધારો : વર્ષ ૨૦૨૧-૨૨માં એવા ૨૦ જિલ્લાઓ છે, ત્યાં હોમ લોન ફાળવણીમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધારે છે

મુંબઇ, તા.૯ : મોટા શહેરોની સાથે સાથે હવે નાના શહેરોમાં પણ હોમ લોન લેનાર મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એવા ૨૦ જિલ્લાઓ છે, ત્યાં હોમ લોન ફાળવણીમાં મહિલાઓનો હિસ્સો સૌથી વધારે છે, જેમાં છ જિલ્લા છત્તીસગઢના છે તેમજ ત્રણ-ત્રણ જિલ્લા ગુજરાત અને તમિલનાડુના છે. આ જિલ્લાઓની કુલ વસ્તીમાં મહિલાઓનું પ્રમાણ સરેરાશ ૪૯ ટકા છે.

એસબીઆઈના એક રિપોર્ટમાં પહેલીવાર ઘર ખરીદવા માટે લોન લેનાર મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે. આ રિપોર્ટ અનુસાર ટિયર-૩ અને ટિયર-૪ શહેરોમાં મકાનોની માગ વધી રહી છે, જેમાં હોમ લેનાર મહિલા કસ્ટમરોની સંખ્યા ઝડપથી વધી છે.

ગુજરાતના ડાંગ જિલ્લામાં નવી હોમ લોન ફાળવણીમાં મહિલા કસ્ટમરોનો હિસ્સો ૮૬ ટકા છે. ત્યારબાદના ક્રમે આ પ્રમાણ બિહારના અરવલ જિલ્લામાં ૭૫ ટકા, ગુજરાતના બોટાડ જિલ્લામાં ૬૩ ટકા છે.

 નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં હોમ લોનના કુલ પોર્ટફોલિયોનો ગ્રોથ ૧૦ ટકાથી ઉંચો રહ્યો છે. કોરોના મહામારી બાદ ટિયર-૩ અને ટિયર-૪ના વિસ્તારોમાં હોમ લોનનો ગ્રોથ ટિયર-૧ અને ટિયર-૨ન સરખામણીએ ઉંચો રહ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯ થી ૨૦૨૧-૨૨ દરમિયાન હોમ લોન પોર્ટફોલિયોનો ચક્રિય સરેરાશ વૃદ્ધિદર ૧૧ ટકા રહ્યો છે. તેની તુલનાએ ટિયર-૩ અને ટિયર-૪ જિલ્લાઓમાં હોમ લોનનું વિતરણ ૧૨થી ૧૪ ટકાના દરે વધ્યુ છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ બાદ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેક્નોનો ક્રેડિટ ગ્રોથ વધી રહ્યો છે અને તેમાં રિટેલ ભાગીદારી પણ સારી છે. એસબીઆઇના રિપોર્ટ અનુસાર જૂન ૨૦૨૨માં બેક્ન ક્રેડિટમાં હાઉસિંગ લોનનો હિસ્સો વધીને ૧૪.૪ ટકા થયો છે જે માર્ચ ૨૦૨૦માં ૧૩.૧ ટકા હતો.

તમામ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેક્નનો ક્રેડિટ ગ્રોથમાં વર્ષ ૨૦૧૮-૧૯થી મોટું પરિવર્તન આપ્યુ છે. જેમાં રિટેલ લોન ડિમાન્ડે મોટી ભૂમિકા ભજવી છે. કુલ બેક્ન ક્રેડિટમાં રિટેલ ક્રેડિટ / પર્સનલ લોનનો હિસ્સો માર્ચ ૨૦૨૦માં ૨૬.૨ ટકા હતો જે વધીને જૂન ૨૦૨૨ના અંતે ૨૯.૧ ટકા થયો છે.

આ રિપોર્ટમાં જણાવાયુ છે કે, ઘણા ટિયર-૨ શહેરોમાં મકાન- ફ્લેટોની સંખ્યા વધી છે. વિશાખાપટ્ટનમમાં મકાન-ફ્લેટ ૧૧.૩ ટકા, ગૌહાટીમાં ૧૫.૭ ટકા, રાયપુરમાં ૧૯.૧ ટકા, સુરતમાં ૧૧.૨ ટકા, વડોદરામાં ૧૨.૬ ટકા, જયપુરમાં ૯.૬ ટકા અને લખનઉમાં ૧૭.૪ ટકા મોંઘા થયા છે.

 

 

(7:35 pm IST)