Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

તાનાશાહી સરકાર સામે કરો યા મરો જેવા આંદોલનની જરૂર છે

રાહુલ ગાંધીએ ફરી કેન્‍દ્ર સરકાર પર પ્રહારો કર્યા

નવી દિલ્‍હી, તા.૯: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્‍દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સરકાર સામે ફરી એકવાર ૧૯૪૨ જેવું આંદોલન છેડવાની જરૂર છે. રાહુલ ગાંધીએ ‘ભારત છોડો આંદોલન'ની વર્ષગાંઠના અવસર પર આ વાત કહી છે. આ સાથે તેમણે કેન્‍દ્ર સરકારને ‘તાનાશાહી સરકાર' ગણાવીને તેમની સામે ‘કરો યા મરો' આંદોલનની જરૂરિયાત બતાવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતની તાનાશાહી સરકાર સામે અને દેશની રક્ષા માટે હવે વધુ એક ‘કરો યા મરો' આંદોલનની જરૂર છે. હવે સમય આવી ગયો છે જયારે અન્‍યાય સામે બોલવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે, તાનાશાહી, મોંઘવારી અને બેરોજગારીએ ભારત છોડવું પડશે. કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષે દેશમાં બેરોજગારીમાં વધારા સાથે સંબંધિત ગ્રાફને ટાંકીને ટ્‍વિટ કર્યું કે ‘જરૂરઃ ઘરે-ઘરે રોજગાર. વાસ્‍તવિકતાઃ દરેક ઘર બેરોજગાર છે.

રાહુલ ગાંધીએ એક ફેસબુક પોસ્‍ટમાં કહ્યું હતું કે, ઈતિહાસનું એ પાનું જે ક્‍યારેય ભૂલી ન શકાય તે છે ‘ભારત છોડો' આંદોલન. ૮ ઓગસ્‍ટ ૧૯૪૨ના રોજ મુંબઈથી શરૂ થયેલા આ આંદોલને અંગ્રેજોની ઊંઘ ઉડાડી દીધી હતી. તે ઓગસ્‍ટની સાંજે મુંબઈના ગોવાલિયા ટાંકી મેદાનમાં લોકો એકઠા થવા લાગ્‍યા હતા. ગાંધીજીએ ‘કરો યા મરો'નું સૂત્ર આપ્‍યું હતું. ત્‍યાર બાદ ભારતમાં અંગ્રેજ શાસનનો છેલ્લો અધ્‍યાય શરૂ થયો હતો.

રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે, લાખો દેશવાસીઓ પોતાના જીવનની પરવા કર્યા વગર આ આંદોલનમાં કૂદી પડ્‍યા હતા. આ આંદોલનમાં લગભગ ૯૪૦ લોકો શહીદ થયા હતા અને હજારો લોકોની સંખ્‍યામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર હું દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્‍વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. 

(10:28 am IST)