Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

૧૬ રાજ્યોમાં ભારે વરસાદને લીધે હજુ સુધીમાં ૯૦૦ મોત

કોરોનાના આતંક બાદ વરસાદનો કહેર : પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓથી લોકો હેરાન પરેશાન

નવી દિલ્હી, તા. ૯ : ભારતમાં કોરોનાની મહામારી પરેશાન કરી રહી છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં ચોમાસાએ કાળો કેર વર્તાવી દીધો છે. અત્યાર સુધીના વરસાદમાં દેશના ૧૬ રાજ્યોમાં ગંભીર સ્થિતિ ઉભી કરી છે, આ રાજ્યોમાં મૂશળાધાર વરસાદને લીધે આવેલા પૂર અને ભૂસ્ખલનની અલગ-અલગ દુર્ઘટનાઓ ૯૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળમાં બનેલી ભૂસ્ખલનની ઘટનામાં ૩૩ લોકોના મોત નીપજ્યા હતા. આ સિવાય પશ્ચિમ બંગાળ, અસામ, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો પણ સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. તાજેતરમાં મુંબઇમાં પણ છેલ્લા ૪૬ વર્ષનો સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો જેણે અહીં સામાન્ય જનજીવનને વિખેરી નાંખ્યુ છે. આ ચોમાસા દરમિયાન બિહારમાં ૬૯ લાખ લોકો અને અસામમાં ૫૭ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા જેમાંથી મોટાભાગના લોકો પૂરના કારણે બેઘર બન્યા હતા. આ સિવાય તેમની સંપત્તિ અને પશુધનને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. હાલમાં પણ અહીં હજારો લોકો રાહત કેમ્પમાં દિવસો વિતાવી રહ્યા છે. અહીં NDRFની ૧૪૧ ટીમો સહિત SDRF પણ રાહતના કામોમાં લાગ્યુ છે. 

             વિતેલા ૧૦ દિવસનો આંકડો જોઇએ તો રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનથી ૨૦૦ લોકો જીવ ગુમાવી બેઠા છે, આ પ્રકારની ઘટનાઓ દેશભરમાં કુલ ૯૦૦ લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધારે મોત પશ્ચિમ બંગાળમાં થયા છે. અહીં પૂર અને ભૂસ્ખલનને લીધે ૨૩૯ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અસામમાં ૧૩૬, ગુજરાતમાં ૮૭, કર્ણાટકમાં ૭૪ અને મધ્ય પ્રદેશમાં ૭૪ લોકોના મોત થયા છે. જોકે કુલ મૃત્યુઆંક વધવાની આશંકાઓ વધી ચૂકી છે, કારણ કે રાજ્ય સરકારોના તાજેતરના રિપોર્ટ બાકી છે.  અસામમાં ૧૩૬ લોકો પૂર અને ૨૬ લોકો ભૂસ્ખલનની દુર્ઘટનાઓમાં માર્યા ગયા છે. કેરળના ઇડુક્કીમાં શુક્રવારે ભૂસ્ખલનના લીધે ૨૩ લોકોના જીવ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે કુદરતી આફતો, ખાસ કરીને અતિવૃષ્ટિને લીધે હજારો લોકો જીવ ગુમાવે છે જ્યારે લાખો રુપિયાના ઉભા પાકોને નુકસાન પહોંચે છે.

(7:41 pm IST)