Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સુશાંત કેસમાં રાજકીય લાભ ખાટવા સીબીઆઈ તપાસ : મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ષડયંત્ર: સંજય રાઉતનો આક્રોશ

મુંબઈ પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરીને સચ્ચાઈને ઉજાગર કરવામાં સક્ષમ

મુંબઈ: બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે રાજકીય નેતાઓએ નિવેદનબાજી શરૂ કરી છે,ત્યારે શિવસેનાએ કેન્દ્ર અને બિહાર સરકાર પર આ મામલે રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો છે.

શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચનાનો આરોપ મૂક્યો છે.સીબીઆઈ તપાસ સોંપવાના મામલે શિવસેના  સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની આલોચના કરતાં જણાવ્યું કે,“જે પ્રકારે બિહાર અને દિલ્હીમાં સુશાંત સિંહ રાજપૂતના મોત ઉપર રાજકારણ રમાઈ રહ્યું છે. તેનાથી મને લાગે છે કે, આ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોટું ષડયંત્ર છે. મુંબઈ પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરીને સચ્ચાઈને ઉજાગર કરવામાં સક્ષમ છે.

બિહાર પોલીસની ફરિયાદ છે કે, સુશાંતના મૃત્યુ પાછળ કેટલાક રહસ્ય છૂપાયા છે. જેમાં ફિલ્મ, રાજકારણ અને ઉદ્યોગજગતની મોટી હસ્તિઓના નામ સામેલ છે. આથી મુંબઈ પોલીસ યોગ્ય રીતે તપાસ નહીં કરે. આથી કેસ CBIને સોંપવામાં આવે. આવી માંગ બિહાર સરકારે મૂકી અને 24 કલાકમાં તેને મંજૂરી પણ મળી ગઈ. આ કેસની તપાસ CBIને સોંપવાનો નિર્ણય રાજનીતિક લાભ અને દબાણની રાજનીતિ અંતર્ગત લેવામાં આવ્યો છે.
બિહાર સરકાર અને પોલીસ વિશે શિવસેના સાંસદે જણાવ્યું કે,“સુશાંત કેસમાં બિહાર સરકારે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર જ નહતી. થોડા જ વર્ષોમાં સુશાંત સંપૂર્ણ મુંબઈકર બની ગયો હતો. તેનો બિહાર સાથે કોઈ સબંધ જ નહતો. સુશાંતને યશ મુંબઈમાં જ મળ્યો હતો. સંઘર્ષના સમયમાં સુશાંતનો પરિવાર તેની સાથે નહતો. તેના પિતા દ્વારા કરવામાં આવેલા બીજા લગ્ન સુશાંતે સ્વીકાર્યા નહતા. આમ પિતા સાથે પણ તેના સારા સબંધો નહતા. એજ પિતાને ફોસલાવીને બિહારમાં એક FIR દાખલ કરવામાં આવી છે.

મુંબઈમાં થયેલા ક્રાઈમની તપાસ કરવા માટે બિહાર પોલીસ મુંબઈ આવી. જેનું ક્યારેય સમર્થન ના કરી શકાય. સુપ્રીમ કોર્ટ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની એક અરજી પર સુનાવણી કરી રહી છે. જેમાં બિહાર પોલીસ દ્વારા કેસને મુંબઈથી ટ્રાન્સફર કરવાની માંગ થઈ રહી છે. મુંબઈ પોલીસનું માનવું છે કે, CBIએ આ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી રાહ જોવી જોઈતી હતી. બિહાર પોલીસ કોઈ ઈન્ટરપોલ નથી.”

બિહાર DGP ગુપ્તેશ્વર પાંડે વિશે સંજય રાઉતે જણાવ્યું કે, તેઓ ખાખી વર્દીમાં સમાચાર ચેનલો પર જોઈને મુંબઈ પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. જે હાસ્યાસ્પદ છે. ગુપ્તેશ્વર પાંડે ભાજપના માણસ છે. બિહારના ન્યૂઝ પેપરોમાં છપાય છે કે, આજ ગુપ્તેશ્વર પાંડે આગામી વિધાનસભા ચૂંટણીમાં શાહપુર વિધાનસભા બેઠક પરથી ઉભા રહેવાના છે. આવી પોલીસ પાસેથી સમાજે શું અપેક્ષા રાખવી જોઈએ?

(5:55 pm IST)