Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સપ્ટેમ્બરના પ્રારંભથી દેશમાં સ્કૂલો શરૂ કરવાની વિચારણા

કોરોના કાળમાં શાળા-કોલેજો સદંતર બંધ છે : શરૂઆતમાં તમામ તકેદારી સાથે હાયર સેકન્ડરી અને કોલેજ ખુલશે : આખરી નિર્ણય રાજ્યોએ લેવાનો રહેશે

નવી દિલ્હી, તા. : કેન્દ્ર સરકાર આગામી પહેલી સપ્ટેમ્બરથી ૧૪ નવેમ્બર વચ્ચે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાની યોજના ઘડી રહી હોવાનું સૂત્રોએ કહ્યું છે. જોકે, માટેનો અંતિમ નિર્ણય રાજ્યો પર છોડાશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. શરૂઆતમાં હાયર સેકન્ડરી શાળા તથા કોલેજો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રીઓના જૂથ સાથે સંલગ્ન સેક્રેટરીઓના એક જૂથની બેઠક તાજેતરમાં યોજાઇ હતી. તેમાં મુદ્દે ચર્ચા થઇ હતી. સરકાર મહિનાના અંતે નવી અનલોક ગાઇડલાઇન જાહેર કરે ત્યારે શાળા શિક્ષણ ફરી શરૂ કરવાનો મુદ્દો આવરી લેવાનું ચર્ચાયું  હતું. જોકે ભારપૂર્વક જણાવાયું હતું કે બાળકોને ક્યારે, કેટલાં પ્રમાણમાં અને કેવી રીતે શાળાએ લાવવાં તેની રૂપરેખા નક્કી કરવાનું કે તે બાબતે આખરી નિર્ણય કરવાનું રાજ્યો પર છોડી દેવું જોઇએ. શાળાઓ તથા અન્ય શિક્ષણ સંસ્થાઓ માટે બહુ સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીજર જારી કરવામાં આવશે

              ગયા મહિને શિક્ષણ ખાતાંએ શાળાઓ શરૂ કરવી કે કેમ તે અંગે એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. સર્વેક્ષણમાં જણાયું હતું કે વાલીઓ હજુ પણ બાળકોને શાળાએ મોકલવાની તરફેણમાં નથી. પરંતુ, બીજી તરફ રાજ્ય સરકારોએ એવી દલીલ કરી હતી કે ઓનલાઇન શિક્ષણથી સમાજનો એક બહુ મોટો વર્ગ વંચિત રહી જાય છે. ગરીબ અને નબળા વર્ગના બાળકો સુધી ઓનલાઇન શિક્ષણ પહોંચતું નથી. તેમના હિતમાં શાળાઓ ફરી શરૂ થાય તે જરૂરી છે. જે રાજ્યોમાં કોરોના કેસોનું ભારણ ઓછું છે તેમણે વહેલી તકે શાળાઓ શરૂ કરવાની તૈયારી દર્શાવી છેતબક્કાવાર સ્કૂલોની શરૂઆત થઈ શકે છેઃ ગાઈડલાઈન પ્રમાણે પહેલા તબક્કામાં ધો. ૧૦થી ૧૨ના વર્ગો શરૂ કરાશેબીજા તબક્કામાં ધો. થી ૯ના વર્ગો શરૂ કરાશે. જોકે, વર્ગો મર્યાદિત સમય માટે રહેશે.

             એક વર્ગના બાળકોને અલગ અલગ દિવસે બોલાવવાનો વિકલ્પ પણ વિચારાશે. કોઇ એક સમયે શાળામાં કુલ સંખ્યાના ૩૩ ટકા શિક્ષકો-વિદ્યાર્થીઓ  હાજર હોય તેવી તકેદારી રાખવા જણાવાશે. શાળાઓમાં શિફ્ટ હશે. થોડા વર્ગો સવારની પાળીમાં-થોડા વર્ગો બપોરની પાળીમાં યોજાય તથા બે પાળી વચ્ચે સેનિટાઇઝેશન માટે ગેપ રખાય તેવી  પણ શક્યતા છે. પ્રાથમિક કે પૂર્વ પ્રાથમિક શરૂ કરવાની ઉતાવળ નહીં કરાય. તેમના માટે ઓનલાઇન ક્લાસ ચાલુ રહશે. વિશ્વના અન્ય દેશોએ શાળા શિક્ષણ શરૂ કરવા માટે અપનાવેલી ગાઇડલાઇનનો અભ્યાસ કરાશે અને તેમાંથી બેસ્ટ પ્રેકટિસનો અમલ કરાશે.

(12:00 am IST)