Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ગુલામનબી બાદ હવે સીતારામ યેચુરીને કસ્ટડીમાં લેવાયા : પાર્ટી ખફા

શહેરમાં પ્રવેશ કરવાની સીતારામ યેચુરી-ડી રાજાને મંજુરી નહીં : કલમ ૩૭૦ નાબુદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ ઉશ્કેરણીજનક ગતિવિધીને રોકવા માટેના બધા પગલાઓ

શ્રીનગર, તા. ૯ : સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને સીપીઆઈના મહાસચિવ ડી રાજાને શુક્રવારે શ્રીનગર હવાઈ મથક પર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંનેને શહેરમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી નથી. ડાબેરી નેતા પોતાના પાર્ટી સહયોગીને મળવા માટે શ્રીનગર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને ગુરુવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને શ્રીનગર એરપોર્ટથી જ દિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા.

        સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, તેમણે અમને એક કાયદાકીય આદેશ બતાવ્યો હતો જેમાં શ્રીનગરમાં કોઇપણના પ્રવેશ માટે મંજુરી આપવામાં આવી ન હતી. આમાં કહેવામાં આવ્યું હતું કે, સુરક્ષાના કારણોસર પોલીસ સંરક્ષણમાં પણ શહેરમાં જવાની મંજુરી નથી આપવામાં આવી.અમે હજુ પણ તેમની સાથે વાતચીત કરવાના પ્રયાસમાં છીએ. યેચુરી અને રાજો રાજ્યપાલ સત્યપાલ મલિકને ગુરુવારે પત્ર લખીને પોતાની યાત્રાની માહિતી આપી હતી અને તેમને અનુરોધ કર્યો હતો કે, તેમને પ્રવેશની મંજુરી આપવામાં આવે. સીપીએમ મહાસચિવ યેચુરીએ કહ્યું છે કે, અમે બંનેએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને પત્ર લખી વિનંતી કરી હતી કે, અમારી યાત્રા મેં કોઈ અડચણ ન આવે તો પણ અમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

         અમે પોતાના બિમાર સહકર્મી અને અહીં ઉપસ્થિત અમારા સહયોગીઓને મળવાની ઇચ્છા સાથે પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યા બાદ જોરદાર વિરોધ કરી રહેલા કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ આજે સવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા પરંતુ તેમને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર રોકીને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

(7:59 pm IST)