Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

આ તહેવારોમાં એલટીસી પર વિદેશ જવાની તૈયારી કરો પણ જગ્યા સરકાર નક્કી કરશે

લાખો કેન્દ્રીય કર્મચારીઓને વિદેશ યાત્રાની ભેટ મળી શકે છે

નવી દિલ્હી, તા. ૯ :. લાખો કેન્દ્રીય કર્મચારીઓને તહેવારો પર મોદી સરકાર ભેટ આપી શકે છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી હેઠળ વિદેશ પ્રવાસનો રસ્તો ખુલ્લો કરી શકે છે. સૂત્રો અનુસાર લાંબા વિચાર પછી આ પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવ્યો છે. સરકારની આ પહેલને સામાન્ય ચૂંટણી પહેલા મધ્યમ વર્ગીય મતદારોને રીજવવાની કોશિષ રૂપે ગણવામાં આવે છે. જો કે કેન્દ્રીય કર્મચારીઓ કયા કયા દેશમાં જઈ શકશે તે બાબતો સરકાર નક્કી કરશે. શરૂઆતમાં ૧૦ દેશોમાં ફરવાની પરવાનગી અપાશે. ડીઓપીટી અનુસાર આ સુવિધા કયારથી અને કયા દેશો માટે મળશે ? તે વડાપ્રધાન મોદીના આદેશ પછી નક્કી કરાશે.સૂત્રો અનુસાર વિદેશ મંત્રાલય અને ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનીંગ (ડીઓપીટી) એ સંયુકત રીતે મળીને આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. વિદેશ મંત્રાલય અનુસાર સરકારની આ પહેલથી જે દેશોમાં લાખો કર્મચારી પોતાના પરિવાર સાથે જશે, ત્યાંના સંબંધો ભારત સાથે મજબૂત થશે. દેશના લગભગ ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફરવા માટે રજા અને વગર વ્યાજની લોન આપવાની જોગવાઈ છે. અત્યાર સુધી તે પરિવાર સાથે દેશની અંદર જ ફરી શકતા હતાં.

રોજીંદુ ભથ્થુ નહીં મળે...

કેન્દ્રીય કર્મચારીઓને હવે એલટીસી દરમ્યાન રોજીંદુ ભથ્થુ નહીં મળે. એલટીસીમાં કર્મચારીઓને ટીકીટના પૈસા રીફંડ મળે છે. ડીઓપીટીએ ફરીથી એકવાર કહ્યું છે કે, સ્થાનિક પ્રવાસમાં થયેલ ખર્ચ અને આકસ્મિક ખર્ચને એલટીસી હેઠળ નહીં સ્વીકારવામાં આવે, પરંતુ પ્રિમીયમ અથવા સુવિધા ટ્રેન અને તત્કાલ જેવી સેવાઓની એલટીસી હેઠળ પરવાનગી અપાઈ છે

(3:43 pm IST)