Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રાફેલ ડીલના કેગ ઓડિટની માંગણી : શૌરી, યશવંત સિંહા, પ્રશાંત ભૂષણે સવાલ ઉઠાવ્યા

રાફેલ ડીલ એ બોફોર્સ ગોટાળા કરતા પણ મોટું કૌભાંડ

નવી દિલ્હી તા. ૨૮ : ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારનો એક સમયે હિસ્સો રહેલા યશવંત સિંહા અને અરુણ શૌરી તથા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ફ્રાન્સ સરકાર સાથે કરાયેલી રાફેલ ફાઈટર પ્લેનની ડીલ પર સવાલ ઉઠાવીને ત્રણ મહિનાની અંદર આ ડીલનું કેગ પાસે ઓડિટ કરાવવાની માગણી કરી છે.

પૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ શૌરી અને પ્રશાંત ભૂષણ સાથે એક સંયુકત પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું તે, કોંગ્રેસે આ ડીલની સંયુકત સંસદીય સમિતિ પાસે તપાસ કરાવવાની માગણી કરી છે.

અમે જાણીએ છીએ કે લોકસભાનો કાર્યકાળ હવે થોડા મહિનામાં જ સમાપ્ત થવાનો છે. આ માટે સમિતિ તપાસ કરી શકશે નહીં. અમારી માગણી છે કે, કેગ રાફેલ ડીલનું ઓડિટ કરે અને ત્રણ મહિનાની અંદર તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઘણા સમયથી રાફેલ ડીલમાં મોટું કૌભાંડ આચરાયું હોવાના ગંભીર આરોપો લગાવીને જણાવી રહી છે કે સરકાર એક રાફેલ પ્લેન માટે રૂ.૧૬૭૦ કરોડ ચૂકવી રહી છે, જયારે યુપીએ સરકારે ૧૨૬ રાફેલ પ્લેનની ખરીદી અંતર્ગત એક રાફેલ પ્લેનની કિંમત રૂ.૫૨૬ કરોડ નક્કી કરી હતી.

કેન્દ્રિય રક્ષાપ્રધાન નિર્મલા સીતારમન અને અરુણ જેટલીએ રાફેલ ફાઈટર પ્લેન ડીલ અંગે કરવામાં આવેલા તમામ આરોપો ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે, સરકાર આ અંગે સંસદમાં પહેલાં જ જવાબ આપી ચૂકી છે.

આ અગાઉ યશવંત સિંહા અને અરુણ શૌરીએ જણાવ્યું હતું કે, રાફેલ ડીલ એ બોફોર્સ ગોટાળાં કરતાં પણ મોટું કૌભાંડ છે. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, વડા પ્રધાન પણ આ ડીલમાં થયેલા કૌભાંડમાં સીધા સામેલ છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીને કોઈ કારણ વગર ફાયદો કરાવ્યો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રાફેલ ડીલમાં ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો હતો.(૨૧.૨૮)

(3:42 pm IST)