Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હવામાન વિભાગ વિરુદ્ધ ખોટી આગાહી મામલે મહારાષ્ટ્ર્ના ખેડૂતે નોંધાવી ફરિયાદ

બીજ અને કીટનાશક કંપનીઓની મિલીભગતને કારણે ખોટું અનુમાન જણાવ્યાનો આરોપ

મુંબઈ :મહારાષ્ટ્રના મરાઠાવાડ ક્ષેત્રના એક ગામના ખેડૂતોએ ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે બીજ અને કીટનાશક નિર્માતા કંપનીઓની મિલીભગતને કારણે વરસાદ અંગે ખોટું અનુમાન જણાવ્યું હતું .

  પરભણી ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં  નોંધાયેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે પુણે અને મુંબઇમાં વિભાગના અધિકારીઓ તે કંપનીઓ સાથે મળેલા છે.ખેડૂતોએ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ખેતરમાં વાવણી કરી પરંતુ વરસાદ ન આવતાં તેમના લાખો રૂપિયાઓનું ધોવાણ થયું છે. સ્વાભિમાની શેતકારી સંગઠનના મરાઠાવાડા ક્ષેત્રનાં અધ્યક્ષ માનિક કદમે ફરિયાદ નોંધાવી છે.

  કદમે કહ્યું છે કે ભાદંસંની કલમ 420 અંતર્ગત આઈએમડીના ડાયરેક્ટર સામે કેસ નોંધાવ્યો છે. ગયા વર્ષે પણ બીડ જિલ્લાના એક ખેડૂતે આઈએમડી અધિકારીઓ સામે પોલીસમાં આવા કેસો નોંધાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આઈએમડી અધિકારીઓએ ખેડૂતોને ખોટી માહિતી આપી છે કે ખરીફ મોસમ દરમિયાન ઘણો વરસાદ પડશે.

  ફરિયાદકર્તા જી.થાવરે કહ્યું કે, 'ખેડૂતોએ આઈએમડીના પૂર્વાનુમાનના આધારે વાવણી કરી હતી. પરંતુ શરૂવાતમાં વરસાદ આવ્યાં પછી વરસાદ જ ન આવ્યો.' જોકે નિવેદન આપવા માટે આઈએમડીનું કોઇ અધિકારી હાજર ન રહ્યાં.

(12:14 pm IST)