Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઉપાધ્યક્ષ ચૂંટણી : NDAના હરિવંશે UPAના હરિપ્રસાદને હરાવ્યા

૨૦૧૯ની ચૂંટણી પૂર્વે વિપક્ષની એકતાને જોરદાર ફટકો : મોદી - શાહની રણનીતિ સામે કોંગ્રેસના સપના ચકનાચુર : NDAના હરિવંશને ૧૨૫ તો UPAના હરિપ્રસાદને ૧૦૫ મતો મળ્યા :બેવાર થયું વોટીંગ : બીજેડી - અન્ના - ડીએમકે - ટીઆરએસ NDAની સાથે રહ્યા : બે સભ્યોએ મતદાનમાં ભાગ ન લીધો : કુલ ૨૩૨ સભ્યો હાજર રહ્યા

નવી દિલ્હી તા. ૯ : ૨૦૧૯ની ચુંટણી પહેલા વિપક્ષી એકતાને તગડો ઝટકો લાગ્યો છે. પક્ષ અને વિપક્ષ માટે શકિત પરીક્ષણ માનવામાં આવી રહેલા રાજ્યસભાના ઉપસભાપતિની ચુંટણી એનકેએએ જીતી લીધી છે. હરિ વિ. હરિ વચ્ચે થયેલી રસપ્રદ ચુંટણીમાં એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહ વિજયી બન્યા છે. બીજીવાર થયેલી મતદાન પ્રક્રિયામાં હરિવંશને ૧૨૫ મત મળ્યા. જ્યારે યુપીએના ઉમેદવાર બી.કે. હરિપ્રસાદને ૧૦૫ મત મળ્યા. મતદાનમાં કુલ ૨૨૨ સાંસદોએ ભાગ લીધો. બે સભ્યો મતદાન પ્રક્રિયામાં ગેરહાજર રહ્યા.

રાજ્યસભામાં ઉપસભાપતિ ચુંટણી માટે બેવાર મતદાન થયું. પ્રથમવારમાં હરિવંશજીને ૧૧૫ તો બીજીવારમાં ૧૨૨ મત મળ્યા. પ્રથમવાર કેટલાક મત યોગ્ય રીતે ન થવાના કારણે બીજીવાર મતદાન કરાયું. ઓડિશાની બીજેડી, તામિલનાડુની એઆઇએડીએમકે અને તેલંગાણાથી ટીઆરએસે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની અપીલ પર એનડીએ ઉમેદવાર હરિવંશ સિંહનો સાથ આપ્યો. એવામાં વિપક્ષની આશા પર પાણી ફરી વળ્યું છે.  ત્યારબાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે પોતાના સંબોધનમાં કહ્યું, હરિવંશજી પહેલા એનડીએના પ્રત્યાશી હતા પરંતુ ચુંટણી જીતવા અને ઉપસભાપતિ બન્યા બાદ તે સંપૂર્ણ સદનના થઇ ગયા કોઇ પક્ષના નહીં. તેઓ પોતાનું કાર્ય સારી રીતે કરે, અમારી શુભકામનાઓ તેમની સાથે છે. આઝાદે હરિવંશને રાજ્યસભાનું ઉપસભાપતિ બનવા પર અભિનંદન આપ્યા તેઓએ કહ્યું કે, એક પત્રકાર ઉપસભાપતિ બન્યા છે તો આશા છે કે સદનની કાર્યવાહી વધુ દેખાડાશે અને તેનો અનુભવ દેશને કામ આવશે.

આ દરમિયાન ગુલામ નબી આઝાદે સારવાર બાદ રાજ્યસભા પહોંચેલા અરૂણ જેટલીને પણ શુભકામના પાઠવી. તેઓએ તે પણ કહ્યું કે, તેઓ ચુંટણી માટે આવ્યા છે અને તેમને વધુ આરામ કરવાની જરૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદન તરફથી નવનિયુકત પામેલા ઉપસભાપતિ હરિવંશજીને અભિનંદન આપ્યા. ઓગસ્ટ ક્રાંતિનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે, તેમાં બલિયાની મહત્વની ભૂમિકા હતી. મંગળ પાંડેથી માંડીને ચંદ્રશેખર સુધીની પરંપરામાં એક નવું નામ હરિવંશનું જોડાયેલું છે. તેની શિક્ષા-દિક્ષા બનારસમાં થઇ હતી તે પણ ગૌરવની વાત છે ત્યારબાદ તેઓએ અરૂણ જેટલીનો ઉલ્લેખ પણ કર્યો કે તેઓ સ્વાસ્થ્ય લાભ બાદ આપણી વચ્ચે છે.

(3:27 pm IST)