Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી

PM મોદીનો એક ફોન : BJDએ છોડયો વિપક્ષનો સાથ

નવી દિલ્હી તા. ૯ : રાજયસભાના ઉપસભાપતિ માટે આજે થનારી ચૂંટણી માટે પોતાના પત્તા ખોલતા બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમની પાર્ટી એનડીએ ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહનું સમર્થન કરશે. મુંબઈથી પરત ફરીને પટનાયકે પત્રકારોને કહ્યું કે 'બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મારી સાથે વાત કરી છે અને રાજયસભાના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં અમે જેડીયુ ઉમેદવારનું સમર્થન કરીશું.'

પટનાયકે કહ્યું કે બીજેડી એટલા માટે જેડીયુનું સમર્થન કરશે કારણ કે બંને જયપ્રકાશ નારાયણ આંદોલનની ઉપજ છે. પરંતુ જયારે કોંગ્રેસના ઉમેદવાર ઓડિશાના પ્રભારી હતા ત્યારે તેમના નિવેદન હંમેશા બીજેડી માટે કટુતાપૂર્ણ રહેતા હતાં. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક નેતાઓ સાથે આ સંબંધે વાતચીત કરી છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બીજેડી અધ્યક્ષ નવીન પટનાયક સાથે વાતચીત કરીને રાજયસભાના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારના પક્ષમાં બીજેડીનું સમર્થન માંગ્યુ હતું.

વાતચીત બાદ સૂત્રોએ કહ્યું કે પટનાયક મતદાનથી માત્ર એક કલાક પહેલા રાજયસભાના ઉપસભાપતિપદની ચૂંટણી પર બીજેડીના વલણની જાહેરાત કરી શકે છે. રાજયસભામાં બીજેડીના નેતા પ્રસન્ના આચાર્યે જણાવ્યું કે એનડીએના ઉમેદવાર સિંહ બુધવારે સંસદમાં બીજેડીના રાજયસભા સાંસદોને મળ્યાં અને તેમનું સમર્થન માંગ્યું હતું. જયારે આચાર્યને પૂછવામાં આવ્યું કે શું યુપીએ ઉમેદવાર બી કે હરિપ્રસાદે પણ બીજેડી સાંસદોની મુલાકાત કરી તો તેમણે જવાબમાં ના કહ્યું. આ અંગે સંપર્ક કરતા હરિપ્રસાદે કહ્યું કે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને અહેમદ પટેલે બીજેડી સાંસદોનું સમર્થન માંગતા પટનાયક સાથે વાત કરી હતી. રાજયસભામાં બીજેડીના ૯ સભ્યો છે. (૨૧.૧૫)

(11:24 am IST)